kusumaanjalinii arpan patrikaa - Metrical Poem | RekhtaGujarati

કુસુમાંજલિની અર્પણપત્રિકા

kusumaanjalinii arpan patrikaa

સત્યેન્દ્ર ભીમરાવ દીવટીઆ સત્યેન્દ્ર ભીમરાવ દીવટીઆ
કુસુમાંજલિની અર્પણપત્રિકા
સત્યેન્દ્ર ભીમરાવ દીવટીઆ

(લાવણી)

બ્હેની હો! હૃદય મ્હારૂં ઉભરાય,

અમીરસ પ્રેમ તણો નવ માય,

સમુજ્જ્વલ શુદ્ધ અહીં રેલાય,

વહીને ચાલ્યો જો, જો, જાય;-

ધીમું ધીમું સરતું રમતું કંઈ ગેલ કરતું જાય,

ગાન રસીલું ઝીણું ઝીણું શ્રવણસુખકારી ગાય,

મધુર ઝરણું દિવ્ય અનુપમ ધાય,

સરિતાજળ શીતળ શું ફેલાય,

બ્હેની હો!

ને તુજ કોમળ હૃદય થકી સરી,

સરિતા સ્નેહ તણી મધુરી,

ગંભીર ને શાન્ત ઉંડું જળધરી

વહી તે વિલસતી ગૌરવ ભરી;-

મનતમ સઘળું ઘોર ધોઈ સર્વ વિષાદ હરી,

નયનઠારણ સરળ સુખકારણ વિમળ કલ્લોલ ભરી,

સુધાશું ધવલ મૃદુ સુહારય કરી,

ભળી મુજ પ્રેમસરિતશું પ્રસરી,

બ્હેની હો!

વત્સલ માયાળુ પ્રિય શુભ માત,

રસીલાં વ્હાલાં ભગિનીભ્રાત,

ને વળી સગાં સહોદર સાથ,

સહુ તણાં હૃદય થકી સંગાથ,

ઝરતાં ઝરણાં પ્રેમ તણાં કંઈ પ્રૌઢ પ્રશાન્ત,

વ્હેતાં આવ્યાં લસત લસત તે રમ્ય મનોહર કાન્ત,

કરંતાં મંજુલ મર્મર નાદ,

કીધો સંગમ, મન દે આહ્લાદ,

બ્હેની હો!

નાચતું નાવલું નૌતમનૂર,

દિસે તે સરળગતિ ત્ય્હાં દૂર,

ઓપતું રંગ સુરંગે પૂર,

દિપે દિવ્ય કર્ણધાર ચતુર;

જુજવાં અનુપમ પ્રેમ સ્વરૂપ ધરેજ મધુર,

તે સર્વ પ્રમજળહિમફલકે ઘડ્યું નાવલું ભાસુર,

તહિં ઇંદ્રધનુ શા રંગ પ્રચુર,

ભળિયા જળમાંહિ પ્રસરી દૂર;

બ્હેની હો!

અને તે કર્ણધાર - પ્રિય તાત-

હૃદયતરુનાં કુસુમો શુભ કાન્ત

વેરિ દે કરિ વાસિત દિક્પ્રાન્ત

જ્ય્હાં વહ્યો પ્રેમસુધારસ શાન્ત, -

મોહન કુમળાં સુહાગિ પુષ્પ અનેરી જાત્ય,

વીણી વીણી અંજલિ ભરિને રસથી ધર્યાં છે હાથ,

કરે અર્પણ આજે તુજ ભ્રાત,

તું સ્વીકારીને દે આશીર્વાદ,

બ્હેની હો!

સ્રોત

  • પુસ્તક : ઊર્મિમાળા (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : સત્યેંદ્ર ભીમરાવ દીવટીઆ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1912