ghuvad - Metrical Poem | RekhtaGujarati

(ખંડ હરિગીત)

રચી ભૂતાવળ કારમી

તિમિરમાં તારક તરે,

રજનિકુહરે ભમી ભમી

માયાવી ચિત્રો ચીતરે.

વિશ્વ દમતી શાન્તિ

હૃદયને ક્ષોભે ભરે,

ને અનુત્તર કારમા

પ્રશ્નો રચી પીડા કરે.

ઘુવડ ત્ય્હાં તરુઝુંડમાં

બેઠું આવી એકલું,

ઊડી તારકવૃન્દમાં

જે ભેદ ઊંડા દેખતું.

પ્રશ્નવમળે ઘૂમતું

ચિત્ત મુજ ચૉગમ ભમે,

શાન્તિમાં નવ શાન્ત એ,

અંધારમાં ઊંડું શમે.

અણગણ્યા બ્રહ્માણ્ડના

ગોળ નિજ પલ્લવ ભરી

પ્રકૃતિ ઘન અંધારમાં

ચાલી અનન્તપણા ભણી;

કય્હાંથી આવી? કય્હાં જશે?

હેતુ ઊંડો શો હશે?

વિસ્મયે પૂછું અહિં;

ઉત્તર પૂરો મળશે કહિં?

ઘુવડ બોલ્યો :— કર્દી નહિ!

કદી નહિ?—એ શી સુણું

વાણી કય્હાંથી કારમી?

મૌન ફરી રજનીતણું

વ્યાપી રહ્યું મુજને દમી.

(ખંડ શિખરિણી)

મધુર મૃગતૃષ્ણા જગતણી

સતત લલચાવે નિજ ભણી,

અને દોડું વેગે અમૃતસમ પીવા જળ તહિં;-

તૃષા મ્હારી શું ત્ય્હાં કર્દી શમિત થાશે સુખ લહી?

—ઘુવડ વદતું ત્ય્હાં—કર્દી નહિ!

(ખંડ હરિગીત)

ઘુવડ કાળા થા પરું!

પ્રશ્ન નવ પૂછું ત્હને.

વદી પાછો હું કરું

ઊંડાં મનન ઘેરા મને.

(ખંડ શિખરિણી)

કલહકપટો દુષ્ટ જનનાં,

વળી વિષમ અન્યાય જગના,

પૂરે મ્લાનિ મ્હારા હૃદયકુસુમે, મર્દીજ દઈ,

ખીલે પાછું શું કુસુમ કુમળું ભવ મહિં?

—ઘુવડ તહિં બોલ્યું—કદી નહિ!

(ખંડ હરિગીત)

ચૂપ! ચૂપ! ઉલૂક તું

અણપૂછ્યો વચમાં લવે?

એટલું વદી મૂક હું

બની વ્યોમમાં નિરખું હવે.

(ખંડ શિખરિણી)

હૃદય તણી તન્ત્રી તૂટી ગઈ,

મધુર મુજ વીણા મૂક થઈ,

નમૅરા આઘાતો વિકટ જગના સહી સહી;—

ફરી શું સંગીતે મધુર સૂર લેશે રસ વહી?

ઘુવડ વદતું—એ કદી નહિ!

(ખંડ હરિગીત)

બસ! હવે ઘૂક! તું,

તાનભંગ તું શિદ કરે?—

તાનલક્ષ્ય ચૂકતું

મુજ હૃદય પાછું ત્ય્હાં ઠરે.

પ્રેમમય ઉલ્લાસમાં,

પાપહીન વિલાસમાં,

મુગ્ધ નિર્મળ હાસમાં,

શુચિ બાલ્ય વીતી જો! ગયું;

લલિત પ્રેમ વિકાસમાં.

સુન્દરીભુજપાશમાં,

ઉચ્ચ વિક્રમ-આશમાં,

યૌવન અમોલું જો! વહ્યું.

બાલ્ય એ, યૌવન શું

દેખવું ફરી ભવે?

હૃદય મુજ છાનું રુવે;—

ત્ય્હાં-કદી નહિ?—ઘુવડ લવે.

મૌન ધર્ય! ભૂંડા! હવે.

પ્રિય જનો હૃદયે વશ્યાં,

સંગ રડિયાં ને હશ્યાં,

ક્રૂર કાળે ગ્રશ્યાં,

ફરા ભેટ શું કો સમે?

પુણ્ય કર્મો મન ધર્યા,

કૃતિ વિશે નવ તે ઠર્યા,

સુપ્રસંગો જે સર્યા,

જીવને ફરી શું રમે?

—કદી નહિ! કદી નહિ.

ઘુવડવાણી ના ગણું

ચિન્તને હું ડૂબિયો;

પ્રશ્ન ઊંડો ફરી સુણું

છબિ દિવ્ય કરતો ઊભી જો!

(ખંડ શિખરિણી)

લલિત મૃદુ હાસે મલકતી,

વસન કંઈ આછું ઝળકતી,

ઉષા રંગીલી કનકમય પાંખે ઊંડી જતી,

ધસે પ્રેમે પૂષા; ભુજયુગલ લેશે કદા સતી?

(ખંડ હરિગીત)

ઘુવડ બોલ્યો–નવ કદી!

ધૂર્ત! છાનાં રૂપે હવે!

તજી આત્મગૌરવ શું લવે?

(વસંન્તતિલકા)

મોઘી વિશુદ્ધ કળી જો! નવી માધવીની

વેરે સ્મિતો નવલ ચાંદનીશાં રસીલી,

તે કીટદંશથી અજાણ પડી વિનાશે,

શું પ્રફુલ્લ ફરી જીવનમાર્ગ જાશે?

(ખંડ હરિગીત)

કદી નહિ! કદી નહિ!

ઘુવડ ઘૂરકે –કદી નહિ!

કર્દી નહિ! શું કદી નહિ!

ભૂત નવ ભાવિ બને?

સ્રોત નીચે ગયું વહી

તે પાછું નવ ઊંચે ચઢે?

પ્રેમગાનો રેડીને

મધુર મુગ્ધાકાનમાં,

યુવક વચનો ફેડીને

ચાલ્યો પીવા જળ ઝાંઝવાં;

યુવક સુખસેવને

સાચી પ્રેમસુધા કંઈ

ચાખશે જીવને?

—ઘુવડ બોલ્યો-કદી નહિ!

અધર સંમુખ આવતાં,

મુખ ખશેડે સુન્દરી,

ચુમ્બનો અણુચુમ્બિયાં

આસ્વાદવાં શું કદી ફરી?

ઘુવડ ક્હે—એ કદી નહિ!

કદી નહિ! હા! કદી નહિ!

('નૂપુરઝંકાર'માંથી)

સ્રોત

  • પુસ્તક : કાવ્યકુસુમ (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : સુસ્મિતા મ્હેડ
  • પ્રકાશક : મૅકમિલન અને કંપની, લિમિટેડ
  • વર્ષ : 1958