બાળકોના વૉર્ડમાં એક માતા
baalkonaa wardmaan ek maataa
વાડીલાલ ડગલી
Vadilal Dagli

જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છ્વાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજાં પર
સૂનમૂન એક ફૂલ તરે.



સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 602)
- સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2021
- આવૃત્તિ : (બીજી આવૃત્તિ)