hind upar upakaar vishe - harakh have tu hindustan - Metrical Poem | RekhtaGujarati

હિંદ ઉપર ઉપકાર વિષે - હરખ હવે તું હિંદુસ્તાન

hind upar upakaar vishe - harakh have tu hindustan

દલપતરામ દલપતરામ
હિંદ ઉપર ઉપકાર વિષે - હરખ હવે તું હિંદુસ્તાન
દલપતરામ

(સવૈયા એકત્રીસા)

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,

પર નાતીલા જાતીલાથી, સંપ કરી ચાલે સંસાર;

દેખ બિચારી બકરીનો પણ, કોય ન જાતાં પકડે કાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન.

રાજ્ય અનોપમ આજ થયું છે, લાજ વધારી તારી લેખ,

ઘોર કુકર્મિ ચોર ગયા ને, જોર દગાનું ડુબ્યું દેખ;

મહમુદ સરખા મારણ ન મળે, તૈમુર તુલ્ય નહિ તોફાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન.

જુલમી રાજાની જડ ઉખડી, નાદિર સરખા પામ્યા નાશ,

ભારે ભીલતણો ભય ક્યાં છે, ક્યાં છે કજીઆ ને કંકાશ;

વિધવિધના વૈભવ વસ્તીને, પેહેરે પટકૂળ ચાવે પાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

હુલકરથી નહીં હોય ખરાબી, કહો મરાઠા કોણ જ માત્ર,

કદી સંહાર ન કરે સિંધિઆ, પીંઢારા પણ ગયા કુપાત્ર;

ઇંગ્લીશના નેજાની નીચે, તારાં તનુજ કરે ગુલતાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

એ બળવંતા આશ્રય આગળ, ગાય ધવળ મંગળ ગુણગીત;

જેના ધારા સૌથી સારા, નિરબળ નરને ડર નહીં ચિત્ત;

કોળી નાળીનો ભય ટાળી, સંભાળી રાખે સંસ્થાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

ફાંસી ખોરા ફેલ કરીને, વનમાં પાડી ન શકે વાટ,

ધીંગા કાઠી જટનાં ધાડાં, ઘોડાં ઘેરી ન શકે ઘાટ;

ખેતર કે કુવેતરમાં જઈ, લશ્કર લુંટી ન લહે ધાન્ય.

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

લંકાથી હિમાચલ લગભગ, કલકત્તાથી કચ્છ પ્રવેશ,

પંજાબી સિંધી સોરઠીઆ, દક્ષિણ માળવ આદિક દેશ;

દિવસ ગયા ડરનાને દુખના, સુખના દિનનું દીધું દાન,

આ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

તે માટે તું તો તનમનથી, માની લે એનો આભાર,

રાજી રાજી રહી નિરંતર, સ્વર્ગ સમો સજ્જ શણગાર;

દિલથી આશીષ દે છે દલપત્ત, મહિમા મોટું મેળવ માન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 183)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002