hemantni madhrat - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હેમંતની મધરાત

hemantni madhrat

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
હેમંતની મધરાત
પ્રિયકાન્ત મણિયાર

એવા બુઝાયા દીપકો, જાણે શમ્યાં શરાબતર

કો’ માનવીના ખ્યાલ, થાતાં ઘેનની ધીમી અસર;

રે શ્વાસહીન યંત્રાલયોના રહી ગયા ઉચ્છવાસ પણ,

જંપી ગયા રુગ્ણાલયે દર્દી તણા નિઃશ્વાસ વ્રણ.

બે હૃદયની એવી એવી ગૂઢ કૈં રે વાત શી,

ફૂલનું હૈયું લઈ હેમંતની મધરાત શી

જામી ગઈ: પામી ગઈ સૌ આંખડી નિજનાં સ્વપન.

જે શોધતાં'તાં દિવસભર રે સર્વનાં આતુર મન.

પંથ પર ચાલ્યું જતું કો' માનવી જડતું નથી;

ભૂલથી જાગી ગયેલું બાળ પણ રડતું નથી;

ઊંડાણના અનુરાગથી મૃદુ ઓષ્ઠના ચુંબન સમું

અદૃશ્ય શું જન્મી ગયું કોઈ ગહનતમ વન સમું.

શી અરે કૈં ઓપતી સ્રોવર સપાટી શાંત છે,

જાણે સકલ બસ સ્પષ્ટ છે; ત્યાં ના કશુંયે ભ્રાંત છે;

શાંતિની શી લીનતામાં મીન સૌ લેટી ગયાં,

સંસારનાં સુખદુઃખ પરસ્પર શું અજબ ભેટી રહ્યાં.

આછી રહી કો’ વાદળી શું વ્યોમ માંહે ચંદ લૈ,

પોઢી ગઈ, ઉડુની મીંચાઈ આંખડી યે મંદ કૈં;

અંધારને ઓઢી અહો સૌ વૃક્ષ પણ નિસ્તબ્ધ છે,

યોગીજનોનાં મન સમું જાણે સકલ સંબદ્ધ છે.

પાતળું મલમલ હવાનું મુક્ત પણ કરકે નહીં,

ને રાત ગળતી જતી, પણ લાગતું સરકે નહીં;

સંસારની હલચલ બધી શી અંધકારે શાંતરસ,

ટકટક થતી રે ત્યાહરે પણ ચાલતી ઘડિયાલ બસ!

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2