hemant ritunun warnan - Metrical Poem | RekhtaGujarati

હેમંત ઋતુનું વર્ણન

hemant ritunun warnan

દલપતરામ દલપતરામ
હેમંત ઋતુનું વર્ણન
દલપતરામ

(ઉપજાતિ વૃત્ત)

જુઓ બની આતસ કેરિ બાજી,

જોઈ હૃદેમાં જન થાય રાજી;

જોતાં દિસે પા ઘડી ખેલ ખાસો,

એવો છે જગનો તમાસો.

કોઠીથી દારૂ સળગી ઊઠે છે,

જાણે ઉગ્યુ કાંચન ઝાડ છે;

શાખા દિસે પત્ર કુલો ખરે છે,

જોવા થકી માત્ર ખુશી કરે છે.

તે ફુલ ને જે ફુલ બાગ કેરાં,

છે એક નામે ગુણ તો જુદેરા;

એવીજ રીતે જગમાં પ્રમાણો,

જનો જનોમાં પણ ફેર જાણો.

આકાશમાં ઊંચી ચઢે હવાઈ,

તારા ખરે તે નિરખો નવાઈ;

જાણે ભલું બાણ તહાં ચડાવ્યું,

તારા નભેથી જઈ પાડી લાવ્યું.

પ્રભા જુઓ પૂર્ણ બપોરિયાની,

ભાસે ભલી તે પણ છે કહ્યાની,

જો એવી રીતેજ બપોર થાત,

તો સૂર્યની પૂછત કોણ વાત.

ફટાકિયા તો બહુ ઠામ ફૂટે,

જાણે કઢેલા પર ધાણી ફૂટે;

અનેક આકાર બીજા કર્યા છે,

ખજૂરી ને ચાદર ફાળકા છે.

વહી પુજી સાકર પાન વેંચે,

નામાં નવાં ખૂબ ખુશીથી ખેંચે;

દેવાલયોમાં અનકૂટ થાય,

જનો વિષે હર્ષ ઘણો જણાય.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008