adhiran hansone - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અધીરાં હંસોને

adhiran hansone

અનામી અનામી
અધીરાં હંસોને
અનામી

અરે! આવ્યાં પ્હેલાં જવું જવું કરો! શાંતિ પકડો,

જવાની તૈયારી સહ અહીં આવ્યાં, પછી જજો.

અને જો આવ્યાં છો, જવું પડશે વાત નકી છે,

થતું ખાટું મોળું ઘડી અધિક બેસ્યે, ઘીર ધરો!

ન-આમંત્ર્યાં ના’વ્યાં, અધિક દીસતું જેથી અડવું,

અને આવો તો શું? સકલ દિલદ્વારો નભ સમાં.

તમોને ના શોભે જગતજનનિર્મ્યા રૂઢ વિધિ,

તમારે કાજે તો સતત ધબકારે ઉર શ્વસે!

જવું છે શું ઊડી ગરીબ મુજ આવાસ નિરખી,

સમાતાં ના તેથી! જવું જવું કરો, કો કસૂર છે

વિવેકે? શું એવી અનુભવી અહીં શૂન્યમયતા?

ઉષ્મા હૈયાની નિરખી ઊડવાનાં દિલ થયાં?

લેખો હૈયાનો ગરીબ મુજ આવાસ નિરખી

જરા શા વાસે દિલ વસત રત્નાકર સમું.

વિવેકે જો ખામી-અતિ પ્રણયનું ફળ લહો.

તમોએ જે ઉષ્મા અનુભવી હતી તે પ્રણયની.

જવાના વિચારો અધિક દિલને દુઃખ કરતા.

જવા આવ્યાં જાણી અધિકતર ને જ્યાં પગધ્વનિ

જવાના જે સુણ્યા, બધિર મન બુદ્ધિ બની જતાં

વધારે શું કહેવું? ત્વરિત ગમને હું દુઃખિત છું.

છલાવીને કાંઠા સકલ જગના કાળ વહતો,

પરે તે બુદ્બુદો સમયસલિલે આપણ સમાં

થતાં કોટિ, રાચે ક્ષણ, શમી જતાં, ભાગ્યપવને

ક્ષણો થોડી કાજે જવું જવું કરો! ઉચિત છે?

વિશાળું દેખો જગ, જગતસિન્ધુ ઠીક કહ્યો,

જરા જુઓ, જાણો પ્રબળ વડવાગ્નિ ભડ બળે.

દઝાતાં સીઝાતાં જીવન જીવવાનું વિધિ-લખ્યું,

તમારા સાન્નિધ્યે લખ અગનઝાળો હિમ સમી.

તમે, સૌ, હું પંખી જગતનીડનાં સહેલ કરવા

ઊડ્યાં ક્યાં ક્યાં? ક્યાં ના? અહીં તહીં બધે ભાગ્ય ઊડવ્યાં.

અહીં અંતે આવ્યાં, શ્રમ અધિક લાગ્યો મુખ કહે,

જરા બેસો, ખેલો, હૃદય હળવાં સાથ ઊડજો.

અવે જો આવ્યાં છો–

દીસે છે લાવ્યાં છો અનુભવ ઊંચા ઉડ્ડયનના,

નિરાંતે છો થાતા વિનિમય થશે લાભ સહુને,

અમોને તો નક્કીઃ અહ્! પુનઃ પાંખો ફડફડી!

અભિલાષા આંખે ઉતરણી તરે ઉડ્ડયનની,

દીસે છે પાંખોમાં જીવનબળ જે આભ, ગિરિને

ખૂંદે, માપે, મુક્તા, કમલબિસપાથેય રળતું

તમોને પ્રેરે છે ડયન કરવા આમ અધીરાં?

અધીરાં મા થાઓ, જવું બસ છે? તો ક્યહીં જશો?

દિશા, રસ્તો દોર્યો? નહીં જ? બસ ઊડ્યાં કરશો?

ભલે ઊડો ઊડો—

નભે ઊંચે ઊંચે દિલકમલનાં હંસ અધીરાં,

દિશે આવો તો અચૂક મળજો કમલને!

સ્રોત

  • પુસ્તક : ચક્રવાક (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : રણજિત પટેલ ‘અનામી’
  • પ્રકાશક : પટવા ઍજ્યુકેશનલ પબ્લિશિંગ કંપની
  • વર્ષ : 1947