gujarat na shoorviro - Metrical Poem | RekhtaGujarati

ગુજરાતના શૂવીરો

gujarat na shoorviro

નર્મદ નર્મદ
ગુજરાતના શૂવીરો
નર્મદ

(રોળાવૃત્ત)

પંચાસરનો રાજ, ચાવડાઓનું ભૂષણ;

જયશેખર કહાં આજ, વળી તેનો સાળો પણ?

સૂરપાળ રણસિંહ, ભુવડથી લલચાયો નહિ;

કુલીનજાયો તેહ, મરે પણ દે દગો નહિ.

મૂકે મિત્રને જેહ, અડી વેળાએ જે નર;

લૂંડીજાયો તેહ, જગતમાં તે ખરો ખર.

“ધસ્યા પછી જે ખસે, ધિઃક જીવવું છે તેનું;

“છેલ્લો છઉં હું રાજ, પરાક્રમ કરી મરું હું.”

એમ કહીને રાય જુદ્ધમાં ઘૂમ્યો ધસીને;

ગાંડા ગજની પેર, આખરે પડ્યો લડીને.

જયશેખરનું સેન, કુલીન રજપૂતો કેરું;

મૂઉં રાજને કાજ, નથી કરવું સ્હેલું.

સ્ત્રીઓ મ્હેલની તેહ, લડી લઈ ભુંગળ ને ગજ;

મારી હઠાવી સેન, બચાવ્યું રાજાનું શબ.

ધન્ય પ્રેમ ને શૌર્ય, અરે તે ક્યાં છે આજે?

ધિઃક ધિઃક નરનાર, જતાં રણમાં જે લાજે.

સોલંકી મૂળરાજ, વીર નાયક નહિ તો એ;

રણે બતાવ્યું શૂર, કર્યાં કામો તે સોહે.

અનલવાડનું રાજ, વધાર્યું ઝાઝું તેણે;

ક્યાં છે રજપૂત આજ, શૂર દરસાવ્યું જેણે?

ભીમદેવ હંમેશ, પ્રતાપી મોટો જોદ્ધો;

ઘણાંક બીજાં રાજ, રાખતાં જેનો મોભ્ભો.

સિદ્ધરાજ શૂરવીર, થયો નામાંકિત રાજા;

પ્રજાહિતમાં કામ, કર્યાં છે જેણે ઝાઝાં.

રાજા રાહખેંગાર, જૂનાગઢવાળો જેણે;

કર્યાં પરાક્રમ બહુ, મારિયો સિદ્ધો તેને.

સિદ્ધરાજ જયસિંગ, નથી દેખાતો આજે;

જોદ્ધો તે જગદેવ, આજ કાંહાં બિરાજે?

શૂરો ભોળોભીમ, ભીમના જેવો જોદ્ધો;

શૂરાઓમાં જેહ, ધરે ઊંચો બહુ ઓદ્ધો.

દિલ્લીપતિ પૃથિરાજ, તેહ પણ જેથી ડરતો;

ભીમ તેહેવો આજ, કોણ છે રણમાં લડતો?

કહાં કહાં તે શૂર, ઉર ઊંચું રણતૂરથી;

ગયું જનનું નૂર, જુદ્ધ જોએ નહિ દૂરથી.

ક્ષત્રીકેરું બીજ, કોહી ગયેલું છે સાચે;

અફીણી કાયર રાજ, જનાનાથી બહુ રાચે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ