ઉમાશંકર જોશી
Umashankar Joshi
વિરમતા સૌ સ્વર મૃદુલ કોમલ, વસંતલ ફાગના,
જાગ્યા અનાહતનાદ સહસા મત્ત ત્યાં વૈરાગના!
જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવિયો,
નાખ્યા અડિંગા લીમડા નીચે, મુકામ જ એક એ એને ભલેરો ભાવિયો.
રાયણ ગળે, મહુડા ફળે, આંબા લળી લળી જાય રે,
નદીતીરે કરમદીનાં ઝુંડ ઝોલાં ખાય રે.
ગોંદરે વડ ડોલતા ને ચોતરે
પુરોહિત-શા પીપળાની જીભડી પલપલ કરે.
— એને ન મીઠાં ફળ, ન કે ગંભીરતા;
કે વરી એને ન વાણીવીરતા.
ઘેઘૂર મૂંગી છાંય ઢાળે, ઊગીને પડખે ખડા,
ઘર ઉપર શીળી હથેળી ધરે ધરખમ લીમડા.
ના જુએ મધ્યાહ્ન, ના સન્ધ્યા જુએ,
વૈશાખના વંટોળિયા માંડે જ શાં રમખાણ ચારે બાજુએ!
ધખી ઊઠે ધરણિ, માથે લૂ ઝરે.
ઉઝરડા પડતા વનશ્રીને કપોલે ક્રૂર રે.
હાંફતી પૃથ્વીની ઘેરી આહ ઊંચેરી ચડે,
આકાશહૈયેથી ઊંડો નિઃશ્વાસ ત્યાં નીસરી પડે.
- આંગણે ને ઓસરીએ ભલા ઢાળ્યા ઢોલિયા.
મધુરપભર્યા ત્યાં લીમડા વાઈ રહે વાહોલિયા.
ગોરજસમે અવધૂત શો દિન ધૂંધળો,
ગૂગળરચ્યા મંડપ કને શો માનવીમેળો મળ્યો!
ઢમ ઢમ ધ્રડૂક્યા ઢોલ, તાસાં ગડગડ્યાં,
દૂર ડુંગરકોતરે પડઘા પડ્યા.
દીકરી વોળાવતાં માબાપનાં મહીં અર્ધડૂસ્કાં આથડ્યાં,
ને મહીં તે નવવધૂનાં કરુણ કોડભર્યાંય ધ્રૂસકડાં ભળ્યાં.
ગાજે ઘૂંટાયા ઘોર ત્યાં શરણાઈના,
દૂર દૂર જઈ શમ્યા એ સૂર સૌ વનરાઈમાં.
મોડી રાતે ગામ આખું,
હરખ-થાક્યું,
નમાયું શું – પરાયું શું – શિશુ જાણે ઢબૂરાયું નીંદમાં,
ધીરેકથી ઢાળી રહે ત્યાં વીંજણા
કોણ બીજું રે – વિના તે સદાવત્સલ લીમડા?
ભરઉનાળે વનસ્પતિના કોશ પ્રાણે ઊભરે,
સાંજટાણે જોબને મદભર દ્રુમો સૌ રસ ઝરે.
આ ભૂમિની મધરાત્રિઓ શી મસ્ત મનભર મઘમઘે!
નીતરેલી ચાંદનીમાં પરિમલો ઘોળાય અવની-રગ રગે.
વ્હેલી પરોઢે ઓસભીની ઠંડકે
આકાશતારા જ્યોતિજર્જર દૂર આછા તગતગે.
નીચે ઠર્યા શા થર ઉપર થર મોગરાની મ્હેકના,
ઊંચે તરે તરવરે વાદળ લીમડાની કટુક ગાઢી ગંધનાં.
ને ત્યાં સરે સ્હેલાણી વચમાં અનિલલહરી,
કોક શું મદયૌવના છુપાવતી નિજ પ્રીત ગહરી
એકલી ચલતી ચલે, ત્યાં એહના પાલવ તણા
એક છેડે તો મીઠી કડવાશની કંઈ ના મણા,
અન્ય છેડે આહ ખુશ્બુ ખુશનુમા!
એકની ઝપટે મર્યો પ્રિય અન્યથી ઊઠે પુનર્જીવન્ત થઈ, જાણે હુમા.
ખૂંત્યાં ધરામાં મૂળ ઊંડાં ચૂસવા
કડવાશ, ને મન કર્યું એ સૌ પી જવા.
ગટગટાવે પૃથ્વીની કટુતા જુગોની કારમી,
લીમડા! – સામેથી એને તોય રોમેરોમથી પ્રગટાવવાં મોંઘાં અમી.
ફેલાવતા કટુતાભર્યા હૈયાની ચંદનછાંયડી,
રેલાવતા આશિષની શીતલ ઝડી!
મંજરીની મ્હોબતે કોકિલ હતો કિલ્લોલતો,
ડોલતો – દિલ ખોલતો.
વીતી વસંત, ગઈ ગઈ રે મંજરી!
ને ઝણણણણઝમ્ બજી ઊઠી જ ગ્રીષ્મની ખંજરી.
અંક લીધો, કંઠ દીધો,
પલ્લવે નિજ ઠંડકે લપટી સુધાભાગી કીધો
કોણે?
અને કોને
ઉરે ઊભરેલ એ સંજીવનીરસ તો પીધો?
આશા હતી મૂંગી બની ઑથારભારે,
ને વિષાદભર્યો હતો અવકાશ જ્યારે
શાન્ત ને નિષ્કંપ,
– રે નિષ્પંદ.
ત્યાં ડૂમો વિખેરી પૃથ્વીનો તે પ્રલય-બળતા પ્હોરના,
જાગ્યો અહો કિલ્કાર ભરસૂનકારમાં બપ્પોરના!
સૂર-લચતી ડાળીઓ મદ-ડોલતી,
હૈયામધુ નિજ ખોલતી-અધખોલતી,
જાગી પવનલહરી જરી મૂર્છિત મટી
કુંજ કુંજે ગૃહ ગૃહે તે ગીતમંત્ર રહી રટી.
જોઈ જગલીલા બધી ઉન્નત-થડા
પ્રખર તાપે તપે તોયે હસે ભીતર મોજથી ભડ એ વડા.
હૈયે હીંચોળી ગ્રીષ્મગીતા ઝૂલતા ઊભા અડીખમ લીમડા.
સ્રોત
- પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2012
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
