દલપતરામ
Dalpatram
(ચંદ્રાવળા છંદ)
ફૂલ્યો માઘ સ૨સ જ્યાં ફાગણ, ફુલી ગાજે ફાગ;
પણ ડહાપણ આપણમાં આવે, રસિક સુણીને રાગ;
રસિક સુણિને રાગ રૂપાળો, કોમળ થાય સ્વભાવ કૃપાળો;
એજ અરથ ગાજે ઘર આંગણ,
ફૂલ્યો માઘ સરસ જ્યાં ફાગણ.
ભોળી દુનિયાં હોળી ટાણે, ઝોળીમાં ધરિ ધૂળ;
ટોળી મળી તોફાન કરે છે, મૂર્ખાઈનું એ મૂળ;
મૂર્ખાઈનું એ મૂળજ મોટું, ખાનદાન થઈ ઉચરે ખોટું;
ઘાયલ થઈ ઘે૨ ડોળી આણે,
ભોળી દુનિયાં હોળી ટાણે.
મગરમસ્ત થઈ વગર વિચારી, બોલીશ હલકા બોલ;
ગણશે ગુણી ન૨ નારિ નઠારો, તારો ઘટશે તોલ;
તારો ઘટશે તોલ તતક્ષણ, વળી તું નહિ કહેવાય વિચક્ષણ;
લાજ તજી નહિ કરીશ લવારી,
મગરમસ્ત થઈ વગર વિચારી.
કોકિલ કાક તણા વસી કુળમાં, કથન કથે નહિ કદીએ ક્રૂર;
હંસ વસી બકવંશ વિષે નહિ, જળચર ભ્રખે જરૂર;
જળચર ભ્રખે જરૂર ન જાણી, પંડિત દે દૃષ્ટાંત પ્રમાણી;
નિર્લજ વચન ન લે મુખ મુળમાં;
કોકિલ કાકતણા વસી કુળમાં.
ડોળી = ટોળી (પાં.આ.) ભ્રખે = ભરખે
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
