yashodhra - Metrical Poem | RekhtaGujarati

સ્નેહનાં સ્મરણ કૈં સઘળાં સર્યાં શું?

છોડી જતાં ચરણ ના અટકી પડ્યા શું?

ના - ના - ઘટે પ્રિયને કદિ દોષ દેવો,

જાણું શુચિ હૃદય નભ શુભ્ર જેવો.

તારા અનંત ઉરને જગબન્ધનો શાં?

તારાં અખંડ ઉરવ્હેણ રહે શું રોક્યાં?

વ્યોમવિસ્તૃતપટે વળી અન્ત શાનો?

નિ:સીમ સ્નેહજળને ક્યમ હોય આરો?

શું દૂર દૂર કંઈ તેજથકી પડી હું?

જાણ્યો નહીં હૃદયથી કદિ સ્નેહને શું?

નિઃસ્વાર્થ સ્નેહ કદિ અંતર ના ધર્યો શું?

નિષ્કામ અર્પણ કદીય નહીં કર્યું શું?

અર્પી સુવાસભર કૈં ફૂલપાંદડી

સ્નેહીય કાં જીવનમાં પ્રતિસ્નેહ માંગે?

સિદ્ધાર્થ થાય તજીને મુજને સુખી એ,

આંસુ કદીય નયને ઘટતાં મારે.

ઊડી રહે વિમલ સુન્દર પન્થ તારે,

ઇચ્છું છતાંય ઊડવા નવ પાંખ મારે.

ઊંચા વિહાર પ્રિયના રહું વ્યોમ પેખી,

ને - વ્યર્થ મોહ જગના દઉં કૈં વિસારી.

ને - આંસુડાં કદિય નેનથકી પડે તો—

તારા નવીન પથમાં કદિયે નડે તો—

દેજે ક્ષમા સહજ નિર્બલતા ગણીને,

હાવાં - અટૂલી, અસાહ શી એક - એને.

સ્રોત

  • પુસ્તક : રાતરાણી (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : ચંદ્રિકા પાઠકજી
  • પ્રકાશક : પ્રો. મોહનલાલ પાર્વતીશંકર દવે
  • વર્ષ : 1944