ઉમાશંકર જોશી
Umashankar Joshi
તુરંગની બ્હાર ઘણીક વેળા
કામે જતા ને કંઈ કૈં નિહાળતા;
આજે અજાણ્યે પગ સામું જોતાં
દીઠું કંઈ અદ્ભુત એક વાટમાં.
પાસે જણાતો નથી કોઈ ઓટલો,
બારી અહીંથી બહુ દૂર દીસતી;
ભૂલો પડ્યો તું અહીં ક્યાંથી ગોટલો?
આંબો ન એકે નજરે પડે અહીં!
તને ગણી ક્ષુદ્ર અબૂજ માનવી
છો કોઈ ફેંકી દઈને ગયું હશે;
અમે પરંતુ તવ ધન્ય દર્શને
તૃપ્તિ મળેલી ગણતા નવી નવી.
સમુદ્રની સ્હેલ કરંત માછલી
ખોબા જળે આજ વસી રહ્યા અમે.
સ્વેચ્છા થકી સૌ સુખરહેલ છોડી,
ને તોય આનંદ વિચિત્ર પામીએ. -
આંબા બધી આલમના અમારે
તને નિહાળી ગણવા ચૂસેલા;
ને તારી આ કેસરી કાય માંહી
જોવા જ રંગો ઋતુના ફૂલેલા.
વસંતની કોડીલી કોક મંજરી
કોકિલટૌકે વિકસી હશે ઉરે,
ને ગ્રીષ્મની પ્રેમલ આંચ પામી
લાલી હશે સૌમ્ય ધરી શરીરે,
અમીરસે ધન્ય તને વીંટીને
વૈશાખની શાખ થઈ ઝૂલી હશે.
ક્યાં એ હશે સુંદર આમ્રકુંજ?
લીલાં રસીલાં મધુ પર્ણપુંજ?
અનેક મિત્રોથી પડી વિખૂટો
ક્યાં આથડે તું અહીંયાં અટૂલો?
તું તો પ્રવાસી બહુ દૂર દૂરનો
આવ્યો હશે ડુંગર કૈં વળોટતો,
મીઠામધુરા રસની સુંવાળી
ગાદી વિશે કોમળકાય લોટતો.
ચોમેર રંગીન દીવાલ વીટે,
ને દ્વાર નાનું રહ્યું માત્ર ડીંટે,
પરંતુ ના ફોડી શક્યો હશે તું;
મુક્તિ તને કોઈક આપનારું.
— મારા સમો તુંય હશે જ કેદી
પુરાયલો બંધ તુરંગ એક દી. —
કેવી હશે આંગળીઓ સુકોમળી
તારાં બધાં બંધન ઘોળનારી!
આસ્વાદઘેલા રસલોભી ચુંબને
તુરંગ તારી મધુરી ખૂલી હશે.
તારા ભરેલા રસરંગ ચૂસતા
સ્પર્યા હશે ઓષ્ઠપ્રવાલ બે તને;
ને આખરે ધૂળ પરે જડાતાં
કૃતઘ્નતા નિન્દી હશે ઉરે તેં.
તું, ભાઈ, ક્યાંથી અહીં? હુંય ક્યાંથી?
છૂટા પડીશું હમણાં અહીંથી!
પરંતુ તેં જેહ જગાવી ઊર્મિઓ,
જગે ગજાવીશ ઉમંગથી સૌ.
આળોટતો તું ધૂળમાં તથાપિ
એ ધૂળના ઢાંકણમાં લપાઈ,
ફાલીફૂલી તું બનશે કદાપિ
આંબો રસાળાં ફળને ઝુલાવતો.
સ્વતંત્રતાનો બની પુણ્યયાત્રી
હું કોઈ દી આવીશ આ સ્થળે તો,
તારું મહાભાગ્ય ખીલ્યું નિહાળી
પિછાન જૂની હૃદયે સ્મરીશ.
— ને કોણ જાણે? પરથી ચુસાઈ
હુંયે ભળું ધૂળ વિશે જ ગોટલો!
ઝૂલે મહાવૃક્ષ સ્વતંત્રતાનું
ને ના રહે નામનિશાન મારું!
મારો લઘુ પથ્થર આવતાં પથે
સ્વાતંત્ર્યયાત્રી કવિ કો રસાત્મને,
આ આજ તારી જ્યમ એ મુખેથી
શું હું ગવાઈશ જ? — કોણ જાણે?
સ્રોત
- પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2012
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
