girnarne charne - Metrical Poem | RekhtaGujarati

ઊગ્યું સ્હવાર સુખરૂપ સખિ! અમારું;

યાત્રા હજો શુભ હવે અમ ઊર્ધ્વગામી!

માંડી સિંહાસન રવિ ગિરનાર-શૃંગે

યાત્રાળુને કનક - અંગુલિથી નિમન્ત્રે.

આકાશમાંથી ઉડુમંડલ સંચર્યું'તું,

આતિથ્ય - અર્ધ્ય રવિ એક અર્પતો'તો,

તે લેઈ લેઈ નમણું ઉર નામતું'તું,

લીલાવિમુગ્ધ પડતું ઢળી દેવપાદે.

પ્રાચી વિશે વિચરતા અમ સૂર્યદેશે,

જ્ય્હાં તેજનાં ઝરણ કોટિક ફૂટતાં'તાં;

ત્ય્હાં ઊડતા અમિત ભર્ગ તણા ફુવારા:

આત્મન્ તૃષા છીપવવા લીધ પંથ ત્ય્હાંના.

ન્હોતી સીમા ગગનનીય રચન્તી બાધા,

ન્હોતી સીમા જગત કે જગબંધનોની:

ન્હોતાં સંકલન કો સ્થલકાલનાં ત્ય્હાં;

નિર્બન્ધ એમ વહતા પ્રભુના પ્રવાહે.

લેતા વિરાટ પગલાં સખી! વિશ્વગોલે,

વર્ષો સહસ્ર કૂદતા મૃગલાની ફાળે:

આત્મા પુરાણતીર, લોચન વર્તમાનઃ

એવું હતું બલ પ્રિયે! નવપ્રેરણાનું.

હા! કાલરાશિ સરિખા ગિરિ રાજતા તે,

ને એક ભૂતકણ મ્હાં ચરણે પડ્યો'તો:

રાજેન્દ્ર કો થઇ ગયા સખિ! ધર્મગોપ્તા,

તે કુલચન્દ્રની કથા ગુણવંતી ગાતો.

શું સ્થૂલ-સૂક્ષ્મ લહરી નથી એક પૂરે?

શું સ્થૂલ નેત્ર નવ ચેતનમંત્ર વાંચે?

શું સૂક્ષ્મની વસી સુંદરતા સ્થૂલોમાં?

શું સ્થૂલમાં ઉભરાય અદશ્ય સૂક્ષ્મ?

જોયું અમે ગિરિકણે, સ્થૂલની શિલામાં,

જોયું અમે ઊંડું, અદ્ભુત માંહિ દીઠું:

એક શૈલકણનું ઉર ભેદી જોતાં,

ઇતિહાસવાહી લીધ દર્શન ત્ય્હાં પ્રભુનું.

આદ્યંતમાં જીવન જગતનું ભરીને

ઘોરે અઘોરનીર સાગર કાલ કેરો:

તે સિંધુના જલ તણી દલપાદડીમાં

મોંઘો સખિ! પરમ બ્રહ્મપરામ ઊડે.

મારી છલંગ સખિ! એમ સમુદ્ર કૂદ્યા,

નિહાળ્યું ભારત સુસાત્ત્વિકમ વન્દનીય :

નિહાળી શ્વેત ગિરિમાલની હિતભૂમિ,

ને સાધુ - સાધ્વીની દીઠી મહીં શિવરેખા:

ઓળંગી હિમભૂમિ, જલધિની ઝાડી,

આહલાદિની વિચરતી દીઠી ધર્મધેનુ:

ત્ય્હાં નીરખી સુભગરાઘવપાદ લંકા

ને વીર વીરી મળી તે મહીં સ્તોત્ર ગાતા:

સિદ્ધાર્થદેવ દીધ ભારતી એક વત્સા

પોષી સહર્ષ સુરનન્દિની ચન્દ્રગુપ્તે;

દે ખંડ ખંડ દૂધ રાજર્ષિ અશોકઃ

સૌ એક શૈલકણમાં ગૂઢ એવું દીઠું.

ગાલે ઢળે નમણી પાંપણ અર્ધમીંચી,

ઢાંકી વળી વળી પાલવ ઉરદેશ:

સંકોરી કોર સરતી કરવેલડીએ;

ત્હેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારો?

દીઠી શિલા મહીંય સાગરની સમૃદ્ધિ,

દીઠો સ્થૂલે મહત ચેતનઓઘ વ્હેતો:

તો શૈલને જડ પછી વદવું પ્રિયે! શે?

તો શૈલને જડ કહી સખિ? નિન્દવું કાં?

જ્યોતિ ઝીલી પરમભાવ દિનેશ કેરી,

સત્કારી સપ્રભ વિશાલ કૃપાની ધારા,

ચાલ્યા અમે પછી પીતા વરેણ્ય ભર્ગ

આતિથ્ય દેવકુલનું પ્રિય! યાચવાને.

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002