snehshanka - Metrical Poem | RekhtaGujarati

સ્નેહશંકા

snehshanka

કાન્ત કાન્ત
સ્નેહશંકા
કાન્ત

વનોનાં વૃક્ષોને તરુણ વયમાં છેદ કરતાં

જશે તે રૂઝાઈ, ત્વચ નવ ફરી વાર ધરતાં,

જનોમાંએ તેવા જડ હૃદયમાં તેમ બનતું,

થતાં થોડી વેળા, ક્ષતરહિત પાછું થઈ જતું!

મને બીજાઓનાં નથી વચનની લેશ પરવા,

સદા ચિંતા જેવી અભિમુખ રહું વૃત્તિ હરવા;

વહું સ્વેચ્છાચારે જગત ભણી દૃષ્ટિ લહું,

બધે એવો તોયે પ્રિયજન સમીપે શિશુ રહું!

નહીં તેના શબ્દો કઠિન કદિયે થાય સહન,

જરા તેને શંકા મન મહિં કરે દુ:ખ ગહન;

વિપત્તિમાં ક્યારે પણ નયન જે કૈં ડરતાં,

કહે થોડું તે, ત્યાં તરત જલ પૂર્ણ ભરતાં!

જનેતા! ને ભ્રાતા! પ્રિયતમ સખા!ને પ્રિયતમા!

જણાવું છું, મારે તમ વગર કોની નથી તમા;

નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો,

તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો!

(ર૮-પ-૯૦ પહેલાં)

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000