rosh kar na! - Metrical Poem | RekhtaGujarati

રોષ કર ના!

rosh kar na!

અનામી અનામી
રોષ કર ના!
અનામી

‘તને હું ચાહું છું’ હૃદય સહસા આવું ઉચરે,

રખે લજ્જાતી વા કુપિત બનતી, દુઃખ કરતી.

તમારામાં એવું ‘કંઈક’ વસતું જે વસી રહ્યું

શરદ્ચંદ્રે શીળું, તૃષિત જીવને તૃપ્ત કરતું,

‘રૂપે માયા જાગી’? નહીં જ, રૂપ તો ઓટ સરખું.

અવસ્થાની લીલા! સ્થિર પ્રણયનું મૂળ રૂપ ના.’

‘બન્યા બુદ્ધિબદ્ધ’? પ્રણય ઝરણીના ઉગમમાં

બને બુદ્ધિ શિલા પ્રણય શિશુનો પ્રાણ પીસતી’

‘ન-જાને કાં મોહ્યા? રૂપ નહીં, બુદ્ધિ, અવર શું?’

કહું : ‘સંલગ્નાતાં ઉર શિર, તદા ગુણ પ્રગટે

સુવાસે પોતાની જીવન જગને જે ભરી રહે,

દ્યુતિ દે લાવણ્યે, દશ દિશ મિષે જે વહી રહે;

પ્રયત્ને ના જન્મે, યમ નિયમ કે ના વિભવથી,

રૂડા સંસ્કારોની, હૃદય સરખી આદ્યજનની

તમારામાં જન્મી, વિકસી, વિલસી જે સુહૃદતા

હું તો ત્હેને ચાહું, નહીં તમને, રોષ કર મા’!

સ્રોત

  • પુસ્તક : ચક્રવાક (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : રણજિત પટેલ ‘અનામી’
  • પ્રકાશક : પટવા ઍજ્યુકેશનલ પબ્લિશિંગ કંપની
  • વર્ષ : 1947