janmadiwas - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જન્મદિવસ

janmadiwas

કલાપી કલાપી
જન્મદિવસ
કલાપી

ત્રેવીશ વર્ષ મહીં સ્વપ્ર અનેક વીત્યાં,

વીતી અનેક દુઃખનીય પરમ્પરા ત્યાં;

શું એટલો ઇતિહાસ હશે અમારો?

શું લ્હાણ કાળની મળી બસ એટલી જ? ૧

યોગો બધા મુજ બહુ પણ જીર્ણ ભાસે,

ને હવે હૃદય વૃદ્ધ થતું દિસે છે;

બેચાર જન્મદિવસો વહી કાળ જાશે;

ને મૃત્યુની જલદ પાંખ સમીપ થાશે. ર

મેં પ્રેમમાં તડફતાં મમ શાન્તિ ખોઈ,

આનન્દની મધુર પાંખ ક્યાંય જોઈ!

હૈયું કહે, ‘જીવિત એમ જશે રોઈ,’

શું લ્હાણ કાળ ધરશે બસ એટલી જ? ૩

ક્યાંયે શું અનુભવો મુજ સંકળાશે

શું મૃત્યુ પાછળ નહીં ગતિ કાંઈ થાશે?

મૃત્યુ કાજ ઉર શું દુઃખ સહે છે?

તો ઝિન્દગી જીવવા સરખી દિસે છે! ૪

આજે ઝેર મધુરું કરી કાં પીવું ?

સાચું હો મરણ તો ક્યમ આમ રોવું?

શું જે પછી અનુભવો કડવા સહીને?

ઝિન્દીગી જીવવા સરખી, અરેરે પ

ઝિન્દીગી દુઃખભરી મુજને મળી કાં?-

માગી હતી નવ, અને નવ રાખવી છે!

શ્રદ્ધા રહી રસ મહીંય કશી મને ના,

અન્ધાર-મૃત્યુ મધુરું મધુરું દિસે છે!

અન્ધાર-મૃત્યુ મધુ, તો કડવો ઉજાસ,

ને સ્વપ્ર ના જીવિત, તો નકી સ્વપ્ન મૃત્યુ;

છે રાત્રિનો દિવસ કે દિનની નિશા છે?

શું હું હઈશ બસ એક સ્વલ્પ સ્વપ્નું? ૭

કે હું અનન્ત યુગનો તરનાર યોગી,

જાનાર જે હજુ અનન્ત યુગો તરીને,

તે આમ આજ દુઃખ ને દિનને ગણન્તો,

આંહી પડ્યો, અરર! ચેતનહીન છેક? ૮

હું સ્વપ્રનો અનુભવી નવ જાણતો કૈં,

શંકા પરંતુ મુજને મુજ સ્વપ્રમાં કૈં;

જીવી શકું સુખથી, મરીયે શકું ના;

જાણી શકું જગત છે અથવા નહીં આ. ૯

યોગ્ય ના નિરખવું નિરખે છે,

યોગ્યના નિરખવું નિરખે શેં?

ઝિન્દગી સમજ તો જીવજે, ને

મૃત્યુનો અનુભવે સુખથી લે! ૧૦

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ