ચઈ બચરીનું પીવે, દૂધ, ગોંધીડો?
ચયો નેસડો જીતસે જુધ? – કનો ગોંધીડો?
: એન્યે બધ્ધાથી બમણી બૂધ. મારો વાલો ગોંધીડો!
બઉ બઉ નસલનોં બચરોં છે તે ચલણવલણમોં ફેર,
સપલાયનો કંત્રાત મલે એ ખોયડાને લીલાલેર!
ગોંધી જે પીવે તે દૂધની બરાંડ બજારમોં ચાલે.
પણ પેલો તો પરખંદો છે તે કોઈને કોઠું ન આલે.
જાંણે સહુની ઊછળ-કૂદ, ગોંધીડો.
ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો?
બે પૂળા પાલા પાઠે બેં-બેં કરતી? – ના ચાલે.
(ને) આ તો, એલા, વળતી મોદીખાનેયે મોં ઘાલે!
વળી ખાટકીને ઘર-ઓંગણ બોંધેલી આ ખેરી
માલ-મલીદા ખાતી, માતેલી થાતી, ઓત્તેરી!
ચ્યોંથી આને ચાલે આવી-આવી? તમો જ કો’ને,
બોંધી દીધી ગોંધી રોડે સરકારોએ છોને.
એ તો આ સઉનીય વીરૂધ – ગોંધીડો.
ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો?
ઘણો ઘશાયો શેવામોં, થઈ શકલ સળેખોં જેવી,
તો વૈદ કહે : ‘યે તીન ગોળીયોં દૂધ શાથમોં લેવી.’
તૈણ તૈણ ગોળીયો ગળવા જોગું દૂધ જોઈએને પાછુ?
તે, એ જ વચારે એને હશવુ આયુ આછુ આછુ.
ઘણો ચતુર ને છેક અબૂધ, ગોંધીડો.
ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો?
ગોતતો ગોતતો ગોંધી હેંડ્યો આરપાર અંદાવાદ,
આગળ ગોંધીનગર નોમનું વન આયુ; બઉ ગાઢ.
ગોંડા બાવળ, ખવીસ ખીજડા, ભૂતપીપળા ઘણોં
ઝાડી-ઝાંખર અડાબીડ, ના કાંટ-કોહરની મણોં.
એવામોં એન્યે સંભળાયું એક થાચ્યુ-પાચ્યુ બેં-બેં,
ભેળો ભૂખ્યે ઘુર્રકાટ, કાચોપોચો તો ફેં-ફેં!
(પણ) આ તો માણસ મરદ, તે મક્કમ પગલે ચાલ્યો ત્યોં,
ઘટાદાર એક ઝાડ તળે બચકી બોંધેલી જ્યોં.
બચરું શ્યેનું? એનું નોંમ હવે તો એક જ : માંરણ.
શોમી ઝાડી માંહ્ય ઘુરકતો વાઘ. ન એનું વારણ.
પેલી કૂદે, કકળે, મૂતરી પડે – બધું યે ફોગટ.
ભચભચ આને ખાવાનો, આને પીવાનો એ ગટગટ.
ખોઈ બેઠી ‘તી એ શુધબૂધ; જુએ ગોંધીડો.
(અવઅ) ચઈ બચરીનું પીવે દૂધ, આ ગોંધીડો?
(પણ આ) આખો ખેલ ચ્યોં અતો આવડો જ? – એને કળતોં ન લાજી વાર.
: શિકાર કરનારાનો વળતો ગોઠવાયો છઅ શિકાર!
શિકાર-મારણ મારણ-શિકાર શિકાર-મારણ મારણાં
– લાવ, કરી નાંખું હું લોંબી લાંઘણ, ન જેનાં પારણાં.
પછી થયું ના ભઈ, પાછી કરવાનીને પેલી — શેવા?
એમોં ને એમોં એણે જીવશટોશટ જોખમ ખેડ્યોં ચેવોં-ચેવોં?
એણે તો ચશમોં ચડાયોં, તે ઝાડની ઘટાઓમોં શંતાયલો
વરતી લીધો તરત મોંચડો, શિકારનો, ઊંચો બંધાયલો.
મોંચડે બેઠા છે મા’રાજા, ને ભેળા વાઈશર-ગવંડર,
એમ્પી-બેમ્પી, શીયેમ-પીયેમ, વર્લ-બૅન્ક તવંગર.
શંધુ શમજ્યો – શમજ્યા પાળે અટકે તો ગોંધી શેનો?
તરત જ લોંબી ડાંફે હેંડ્યો – અવઅ કોય રોકણહાર ન એનો.
ઝાડ હતું, દુખડોંનું, ઘેઘૂર; ઊભો આ ત્યોં જઈને,
બોંધેલાને બુચકાર્યું, આ બોલાયું, આ ભાળ્યું ઓંખ ભરીને,
આ હળવે પંપાર્યું, લે આ તો ગારિયો છોડી નોંછ્યો,
આ ઊંચક્યું, આ હીંડ્યો આ તો – કોઈ હૈ? ઈશ્યે રાછ્યો-રાછ્યો!
વાઘ ને વાઈશરૉય શરખેશરખા હોંફળા-ફોંફળા થયોં
– એલા શિયાળ-લોંકડી, શીપાઈ-શપરાં, ગોલીનોં ચ્યોં ગયોં?
(તે અમારે) લોઈ છાંડી પીવાનું દૂધ? – મરે ગોંધીડો.
ચઈ બચરીનું પીવે દૂધ — આ ગોંધીડો?
ઝૂંપડે લાયો, નરમનરમ હાથે, નવશેકે નવડાઈ,
લીલો પાલો આલ્યો, પોતાની આડશમાં સુવડાઈ.
ભણીગણી પછે મોટાં થયોં બૅન્યબા, તે સુય ગયું એમન્યે આવડી?
કે દુનિયા આખીનો ગોંધી બાપુ; પણ આ બચરી એમની માવડી?!
બચરી બાઈ તો જબરી થઈ જઈ ને ખલક આખે વખણઈ,
બેં-બેં કરે તો લાગે કે વાગી સતંતરતાની સરણઈ.
ગોંધીડાને ભાળે આઘેથી, એના થાનેલાંમાં દૂધ ઊભરાય,
ગોંધીડો જો સહેજ ઓછું પીવે, તો એને કળેજે કંઈ કંઈ થાય.
‘લઠ થા, ને દીચરા, લડ્યા કર જુધ! – મારો ગોંધીડો!’
એવી આ બચરીનું પીવે દૂધ ગોંધીડો!
આ બચરીનું પીવે દૂધ આ ગોંધીડો.
(જાન્યુઆરી, ૨૦૦૬)



સ્રોત
- પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 108)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009