adbhut mitrabhav - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કેમ અને ક્યારે મળ્યું મન ત્હારું મ્હારી સાથ?

દિલ સાથે દિલ મળ્યું? હાથ મળ્યો હાથ શૂં?

બેના એક ક્યારે અને કેમ બન્યા નેક મિત્ર?

ત્હારામાં સમાવા પહેલાં મ્હારામાં સમાત તૂં?

કોણથી કથાય એવો દૈવી એકતા સ્વભાવ?

બેના એક થયા પ્હેલાં એકના બે થાત શું?

હા, કશું અશક્ય નથી સર્વશક્તિમાન! ત્હને,

એકના બે કરી બતલાવે જગતાત તૂં!

એક ધર્મ એક કર્મ એક અઘિકાર બેને,

એક કિરતાર, તારનાર એક જોઉં છૂં;

એક સંસાર, એક આચારવિચાર બેને,

એક અહંકાર,-ત્હારામાં હું મ્હારો ખોઉં છૂં;

આવેશ ઉદ્દેશ એક, વિશેષ કહું શું બીજું,

ઐક્ય-અવલોકનમાં ચિત્ત ચટ્ટ પ્રોઉં છૂં:

ઉમંગતરંગે ઉછળાઈ હું સમુદ્ર આંહિં

શાન્ત સુવદન તું શશી ઉપર મોહું છૂં.

શી મિત્રતા જ! જેમાં જોઈ જુદાઈ કાંઈ:

ભલી ભલાઈ ભાઈ ત્હારીથી તણાઉં છૂં;

ત્રાહિ! ત્રાહિ! જગતતવાઈથી પોકારતો હું

આવી ત્હારી શીતળ છાયા તળે ભરાઉં છૂં;

શાન્તિ શીખવી તું નિવૃત્તિએ મન શુદ્ધ કરે,

ત્હારા અપાર ઉપકાર નિત્ય ગાઉં છૂં;

મિત્રનું ચરિત્રચિત્ર અલ્પ ઉતારી અત્ર

એકત્ર સંગથી તૂં બની પવિત્ર થાઉં છૂં.

શા હું ત્હારા હૃદયવિસ્તારના વિચાર કરૂં,

કેમ વર્ણવું, વીરા, ગામ્ભીર્ય મુખાર્વિન્દનૂં?

કેમ અને ક્યારે ત્હારે મ્હારે પ્રીતિપાસો પડ્યો?

-હું ગુર્જર ગુંજકર, તૂં કમલ સિંધનૂં!

ધન્ય મિત્રતા સગાભાઈથી સવાઈ એવી

દયારામ માહિં દેખું દયા મધ્યબિન્દુ હૂં.

ના, ના, ભાટાઈથી સુગાઈ કાં ભરાઈ જાય?

ત્હારામાં શમ્યો હું, તો તું પોતે પણ હૂં છૂં

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931