divyamandir tatha lekh - Metrical Poem | RekhtaGujarati

દિવ્યમન્દિર તથા લેખ

divyamandir tatha lekh

નરસિંહરાવ  ભોળાનાથ દીવટિયા નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
દિવ્યમન્દિર તથા લેખ
નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા

(રોળાવૃત્ત)

માનવરાજે રચ્યાં મન્દિરો કીર્તિ કાજે,

કાળમહોદધિ મહીં કહીં લુપ્ત થયાં આજે;

કરતા કીર્તિસ્તમ્ભ ઊભા નામ અમર કરવા,

સહસા તે ભૂકમ્પ ગળી લઈ જાતા ગરવા.

રહેં નામનિશાન, રાનમાં રહે રખડતા,

શિલાખણ્ડ થઈ ચૂર્ણ જગોજગં મૃતસમ પડતા;

અચળ કીર્તિને કાજ કોતરી રાખ્યા લેખો,

ઘસાઈ ભૂસ્યા આજ દટાયા ધૂળમાં દેખો.

એક અચળ ને ભવ્ય વિશ્વમન્દિર ભાસે,

અનુ૫મ ઘુમ્મટ વ્યોમતણો જેનો ચોપાસે,

એક પુરુષ મહાન તણી કીર્તિ ગાયે–

નીરખી શકે રૂડી પેર અહીં જન કો વિરલા એ.

વિધ વિધ લખિયા લેખ દિવ્ય ભાષામાં ભારે,

એક પુરુષ મહાન તણા ગુણ ઉચ્ચારે;

અનુપરૂ૫ લેખ દીસે જગ રચના માંહીં;—

નભપટપર તારકાલેખ ચળકંતા ક્યાંહીં,

કહીં કહીં સન્ધ્યા-અભ્ર-રંગના લેખ સુહાતા,

કો ઘડી ઇન્દ્રધનુષ્ય-વર્ણના લેખ જણાતા;–

એમ નિરન્તર વિવિધ લેખ રચના ર્હે દીપી,

વાંચી શકે કો વિરલ દિવ્ય અદ્ભુત લિપિ.

દેશાટન કરી ભવ્ય મન્દિરો ભલે નીરખું,

ગૂઢલેખ લિપિભેદ ભલે હું ઉકેલી શકું;-

મહાન મન્દિર એક નીરખવા દૃષ્ટિ ચાહું,

દિવ્ય પુરુષના લેખ માગું શક્તિ ઊકલવા હું.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ