deep ghino - Metrical Poem | RekhtaGujarati

દીપ ઘીનો

deep ghino

નાથાલાલ દવે નાથાલાલ દવે
દીપ ઘીનો
નાથાલાલ દવે

સૌમ્ય ને સાત્ત્વિક તેજભીનો

મને ગમે કોમલ દીપ ઘીનો. 2

નમી ગયાં રશ્મિ રવિ તણાં અને

આકાશથી ઓસરી સાંધ્ય-લાલિમા;

એનું મને ના હતું ભાન, આંખો

મીંચી પડ્યો ખુરશીમાં વિચારું,

ને ઉડતું ઉર તરંગના તટે;

ભારે બની પાંપણ ખૂબ થાકથી

કંટાળીને, દ્રવ્ય ઉપાર્જનાર્થે

દોડેલ અંગો પણ સૌ પડ્યાં હતાં

આરામથી.

ના ધ્યાન મારું, અહીં આવી ક્યારે

ધીમે પદે, ને મુજ પાસ ઊર્મિલા

મૂકી ગઈ કોમલ દીપ ઘીનો.

ઉજાસ જોતાં નયનો ઉઘાડું

ને દીપની નાજુક જ્યોત ભાળું. 16

જ્યોતના શુભ્ર પ્રકાશ માંહી

ભીંજાય મારો ગૃહખંડ નાનો.

ઊંચે ચડે પાતળી સેર ધૂપની,

હવા મહીં વર્તુલ પારદર્શક

પડે, અને વાયુ મહીં મળીને

અદૃષ્ટ થાતાં, પ્રસરે સુગંધ. 22

ને સુગંધ! નવલી સુગંધ!

સ્પર્શતાં અંતરના ઊંડાણથી

ઊડી જતી ગ્લાનિ, અકથ્ય સૌમયતા-

ની ફૂંક આછી ફરકી ગઈ, અને

અંગાંગમાં વ્યાપી રહી પ્રસન્નતા.

ભૂલી ગયો ઉજ્જવલ વીજળીની

બત્તી, અને વિદ્યુતની ત્વરાથી

વિદ્યુતબળે જીવન જીવતો યુગ.

સરે પડો ગંભીર ભૂતકાળનાં;

ને આંખ સામે પળમાં સજીવ,

આર્યો તણા ગૌરવનું પવિત્ર

શાન્તિભર્યું જીવનસ્વપ્ન જાગે. 34

પુષ્પો ભર્યાં કાનન, માંહી નર્તતાં

મૃગો, અને ગંભીર ગીત ગાતી

સરસ્વતીનાં ઘનશ્યામ વારિ;

બેસી તટે કૈં ઋષિકન્યકાઓ

ઈંગુદી તેલે લસતી કલાપ;

રે ત્યાં સૂકાતાં વિટપાવલિએ

ભીંજાયલાં વલ્કલ કૈં દ્વિજોનાં.

તેજસ્વી, પુણ્યોજ્જવલ મંત્રદૃષ્ટા

મહર્ષિઓ ઉચ્ચરતા ઋચાઓ;

ગુંજી રહેતાં વન ભવ્ય ઘોષથી

મંત્રો તણા; ને ચડતો વિતાને

સુગંધભીનો ધુપ યજ્ઞકુંડથી.

દૃશ્ય ઉલ્લાસભર્યાં નિહાળુ.

જ્યાં મુજ સામે ઘૃતદીપ ભાળું. 48

ને સાંભરે મોહક બાલ્યકાળ

જ્યારે મળી ગૌતમ, અંજુ ને હું

પંપાળતાં પ્રેમથી ગાવડીને,

બીતાં બીતાં છેક જતાં નજીક

ને ઝાલતાં મદમસ્ત શૃંગો

ધીમે કરી, તેલ ઘસી ઉજાળવા.

ઊભી થતી બા દૂધ દોહી જ્યારે,

ત્યાં થોભતાં હાર મહીં જ, પીવા

પ્યાલા લઈને, પય ફીણવાળું.

ગોળી મહીં ઊછળતાં વલોણાં

ને નિત્યનાં ઘમ્મરગાન ગાજતાં.

બા છેવટે હોંશભરી ઉતારતી

મીઠું મજાનું નવનીત સ્વચ્છ

ને તાવતી માખણ કડાઈમાં,

ત્યાં બેસતાં ઉત્સુક નેત્રથી અમે

સ્વેતતાને ગળતી નિહાળતાં.

અગ્નિ મહીં બા ઘૃતધાર રેડતી;

ઉત્સાહમાં અગ્નિશિખા હસીને

ઝીલતી સિંચન, ને સુવાસ

ઊડી રહેતી ગૃહખંડખંડે. 68

આવી યુવા; આવી ઉરે પિપાસા

સૌન્દર્યની, ને ભમતો રહ્યો હું

અસ્વસ્થ ને અર્થ વિના, અબુજ શો.

વિદ્યુતની રોશની શાં નિહાળ્યાં

મુખો, ઘડી બે ઘડી આંખ આંજતાં.

રંગીન ને માદક રૂપ કેરું

ફૂટી રહ્યું ચોગમ દારૂખાનું.

ને હું ઊભો સ્તબ્ધ, અતૃપ્ત, એકલો,

હૈયે નકામા ભડકા જગાવ્યા;

આવી ત્યહાં પ્રેમલ સૌમ્ય ઊર્મિલા

ને સ્નેહભીનું સ્મિત એક વેરી,

લીધું કરે જીવનનું સુકાન.

બેઠાં અમે ત્યાં ધબકંત હૈયે

ઉલ્લાસ—આશા મહીં લગ્નવેદીએ,

ત્યારે પુરોહિત રહ્યા જગાવી

વેદી મહીં મંગલ સુવાસ;

ને ઊર્મિલાએ મુજ ઉર પાથર્યો

શીળો, મૃદુ ને નવલો ઉજાસ. 86

સૌમ્યને સાત્ત્વિક તેજભીનો

મારે ગૃહે કોમલ દીપ ઘીનો. 88

સ્રોત

  • પુસ્તક : કાલિંદી (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : નાથાલાલ દવે
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1942