shant prem - Metrical Poem | RekhtaGujarati

શાન્ત પ્રેમ

shant prem

કલાપી કલાપી
શાન્ત પ્રેમ
કલાપી

विचित्रं चक्रं काव्यम्

નવું આજે કાંઇ તુજ મુખ પરે ને હૃદયમાં,

નવી રીતે કાંઇ મુજ ઉપર દૃષ્ટિ ઢળી પડે;

અહો! બાલુશિરે તુજ કર ફરે તે પણ નવા,

નવાં ગાત્રો થઈ નવીન રસમાં આજ પલળે.

બની માતા આજે ગૃહિણી તુજનું દિલ વહે,

અહા! વાત્સલ્યે તુજ હૃદય આજે ગરક છે;

ફૂલેલી છાતીમાં સુખની મગરૂરી છલકતી,

સુખી તું જેવું કો’ જગત પર ના અન્ય ગણતી!

સુખી તું છે સુખી! મધુર સુખ આમીન તુજને;

અને બાલુ સામે નિરખતી સદા જોઉં તુજને;

ગૃહિણી દેવી તું દિલની મમ માતા પણ થજે

અહો! કેવું મીઠું પ્રણય સહુ વાત્સલ્ય ભળશે?

સુએ બાલુ ત્હારા કદલી સરખા પદ પરે

અને ત્યારે જેવાં નયન તુજ તેને નિરખતાં,

સખિ! હું યાચું તે નયન તુજના એક જરસ,

સૂઉં છું હું જયારે તુજ પદ પરે શિર ધરીને

મને વ્હાલાં લાગે ચપલ દૃગથી શાન્ત નયના,

પતિ હુંને ના ના, પણ હૃદયનો મિત્ર ગણવો;

મને બન્ધુ, વ્હાલો, પિયુ, તુજ પિતા પુત્ર ગણજે

અને ભાવોથી મમ હૃદયના રસ પીજે.

નકી દૈવી રીતે હૃદય પ્રણયીનો રસ પીતું,

ખરા સ્નેહે જયારે શરીરસુખ સૌ ગૌણ બનતું;

વસે સ્વર્ગ ના ના અધિક કંઇ આવા પ્રણયથી,

અને સ્વર્ગ તેથી પ્રણયી દિલનું ઇચ્છિત નહા!

(૧૬-૦૪-૧૮૯૬)

સ્રોત

  • પુસ્તક : કાવ્ય – કોડિયાં – કલાપીનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982