dildarne salam - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિલદારને સલામ

dildarne salam

નર્મદ નર્મદ
દિલદારને સલામ
નર્મદ

(રોલાવૃત્ત)

સલામ રે દિલદાર, યારની કબૂલ કરજે;

રાખીશ મા દરકાર, સાર સમજી ઉર ધરજે.

ઘણા ઘણા લઈ ઘાવ, તાવથી ખૂબ તવાયાં;

નહિ ભોગ પર ભાવ, નાવમાં નીર ભરાયાં.

સરખે સરખી જોડ, કોડના બંને માર્યાં;

છૂટી પડી ગઈ સોડ, હોડમાં બંને હાર્યાં.

સખી પરસ્પર બોજ, રોજ સંગાતે રમતાં;

ગયો ખાલી થઈ હોજ, મોજ શી શીરે જમતા!

એક અંગીનાં અંગ, નંગ કુંદન બન્યો છે;

છાજ્યો નહિરે સંગ, રંગમાં ભંગ થયો છે.

ઝૂરે તું કહાં પડી દૂર, ઝૂરતો હું અહીં રોજે;

ઊતરી ગયાં છે નૂર, ઉર ફાટે છે સોજે.

પરસ્પરે છે પ્રીત, રીત રાખી છે સારી;

ખરેખરાં દુ:ખી નિત, ચીતમાં ચિંતા ભારી.

મળવાની શી વાત, રાતની રાહ બહુ પાજી;

ખાઇ ઠોકર લાત, જાત રિબાયે ઝાઝી.

રોયાં કરવું આમ, કામ તેથી શું સરતું?

(રે) હજીયે બાળે કામ, જામ આઠે શિર ફરતું.

લવીએ પ્યારૂં નામ, રામનું નામ લઇએ;

ઈશ્ક કેફનાં જામ, આમ દૂર કેમ જીરવીએ?

પ્રેમતણી ભલી નાવ, આવજાવો કરી તેથી;

મોટો લીધો લ્હાવ, રાવ નિભાયું બેથી.

ચાલ્યું થોડીવાર, માર વિધવિધ બહુ ખાધો;

ડરી હઠ્યાં લગાર, પ્યાર તસતસ વધુ બાંધ્યો.

જીભે રહેલો સ્વાદ, આદ ગળકો જે લાગ્યો;

આપણને તે યાદ, નાદથી ઝાઝો માગ્યો.

મળ્યો માગ્યો તેહ, કેહ શું બાકી રાખી;

ભાગ્યમાં નહિ જેહ, રહે ચાલુ ક્યમ આખી?

હવે રહ્યું છે જ, સ્હેજ જો છૂટવું મોતે;

જો ઊંચે ચિદ તેજ, તેજ સુખ હશે પોતે.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023