didelas lights - Metrical Poem | RekhtaGujarati

ડિડેલસ્ લાઇટ

didelas lights

હરિલાલ હ. ધ્રુવ હરિલાલ હ. ધ્રુવ
ડિડેલસ્ લાઇટ
હરિલાલ હ. ધ્રુવ

(ઇંદ્રવજા)

મોજાં વિકાસી મુખ શાં તડે છે!

ચોપાસ શી પંક્તિ તમિસ્રની છે!

તોયે ન કમ્પે ખડકે પનોતી,

ના ઝંખવાયે શુચિ સ્નેહ જ્યોતિ!

છો ફૂંફવે ફીણ ફુંદોટવાળાં-

છો ઘૂઘવે ગર્જન ઘોરવાળાં-

રે'શે પખાળી ચરણો પડી એ;

પાયે ઊંડે છે રૂડલે જડી જો!

આકાશ પાતાળ કરંતું એક,

તોફાન વંટોળ નડે ન લેશ,

અંધારી ના વાદળી, વીજળી ના-

બાધે! ઝગે છે કળી ઊજળી આ!

મન્દાકિનીનાં કુમુદો વિલાયે-

આકાશના તારલિયા મિચાયે-

ને ચન્દ્રિકાની ઝરણી ભલે ના!

તોયે ખીલે જાગૃત શી ઝલે આ!

આશા ભલે શૂન્ય અગમ્ય થઓ!

ના પાર આ સિન્ધુ તણો જણાઓ-

વાઓ ભલે! વ્હેણ પ્રભંજનોનાં,

સોહામણી એ રમણી હસે ત્હાં!!!

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928