dhumra ne - Metrical Poem | RekhtaGujarati

(વસંતતિલકા)

આ શ્યામ મેઘ નભમાં ચડતો નિહાળી,

તેમાં દીસે મળી જવા થઈ વૃત્તિ તારી;

રે! ધૂમ્ર! અંબરપથે ચડવા ચહે શું?

ને એથી આશ્રય સમીર તણો કરે શું?

એવો તને ન અધિકાર, ન શક્તિ તારી,

તારો ન એ ઘન સજાતીય વ્યોમવાસી;

સ્વર્માર્ગ એ વિમળને વસવા તણો છે,

પ્રાણાર્પણે પ્રણયીના હૃદયે ગ્રહ્યો છે.

તું સર્વથા મલિન, નિંદિત ને નઠારો,

ક્યાંથી પવિત્ર પદ એ કદી પામવાનો?

એ વારિએ જગ વિષે વસી શું કર્યું છે,

એના વિચાર વિણ કાં અથડાય ઊંંચે?

માલિન્ય એ સકળ વિશ્વતણું મટાડે,

સંસર્ગથી પરમ શત્ય વળી પમાડે;

સંતાપ સૌ હૃદયમાં વસીને નિવારે,

ને અન્ય કાર્ય નિજ દેહ ત્યજી સુધારે.

તે સૃષ્ટિને શિર વિહાર કરી શકે છે,

સ્વચ્છંદ સ્વર્ગવનમાં વિચરી શકે છે;

દૃષ્ટિ વડે પણ જગદ્ભય એ હરે છે,

ને શબ્દમાત્ર થકી સાન્ત્વન એ કરે છે.

આ કૈંક કાળ પરશ્રેય કર્યા વિનાનો,

વિતાડવો અહીં પડે ઉર શોક એનો;

એથી ખરે! વદન ખિન્ન થયું દીસે છે,

ના શ્યામતા તુજ સમી વપુ એ વિષે છે.

તું તો ઘડી અહીં તહીં ફરી આસપાસે,

આ વૃક્ષ, શલ, રજમાં પડી શાંત થાશે;

એ સર્વ માંહીં તુજ કલ્મષ લિપ્ત થાશે.

તે મેઘના જળ વિના ન કદાપિ જાશે.

તું સર્વને મલિન સંગતિથી કરે છે.

ને દોષ એ જલદ જીવન દૈ હરે છે;

એેવો પરસ્પર વિરોધ જહાં વસે છે,

ત્યાં ઐક્યથી વિલસવા ઉર કાં ચહે છે?

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941