dharmasiddhant vishe - Metrical Poem | RekhtaGujarati

ધર્મસિદ્ધાંત વિષે

dharmasiddhant vishe

દલપતરામ દલપતરામ
ધર્મસિદ્ધાંત વિષે
દલપતરામ

(દોહરા)

આખી પૃથ્વીમાં કદી, થાય રાજા એક;

તેમજ એક ધર્મ પણ, કદી ચાલે છેક.

ચોરી જારી જૂઠ વળી, પરને દેવું દુઃખ,

એનું નામ અધર્મ છે, સમજી પામો સુખ.

અસત્ય ભાષણ અદયતા, ચોરી વ્યસન વ્યભિચાર;

પ્રબળ પાપ પાંચ છે, સૌ સમજે સંસાર.

પરોપકાર સુધર્મ છે, સુધર્મ બીજું સત્ય;

જગમાં એવા ધર્મની, અતિશે દિશે અગત્ય.

તે આશા કે ત્રાસથી, પ્રીતે ધર્મ પળાય;

પરમેશ્વર પર પ્રેમથી, સુધર્મ પંથ ચલાય.

ધર્મ ઈશ્વરી એક છે, જન કૃત જુદાં હોય;

આંખે કોઈ સાંભળે, કાને જુએ કોય.

જે મધ્યે નીતિ દયા, ધર્મ ભલો સૌ કોય;

ચાંદીના સિક્કા બને, છાપ ગમે તે હોય.

નવ નિંદું પરધર્મને, નિંદું દુર્ગુણ દોષ;

સુખ માગે પરલોકનું, સુણી પામું સંતોષ.

માણસની મુઠી વિષે, વસ્તુ નહિ વરતાય;

તો જગદીશ્વરની કળા, અકળિત કેમ કળાય.

એકજ નદી તળાવ નહિ, દુકાન પણ નહિ એક;

ધરણી ઉ૫ર ધર્મના, એમજ પંથ અનેક.

મુસલમાન ને પારસી, હિંદુ ખ્રિસ્તી હરેક;

જુદા જુદા મત તજી, કેમ થાય મત એક.

સૌના મત સાચા કહો, એક સર્વનો દેવ;

એમ ગણે સૌ તો ટળે, તે ટંટા તતખેવ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002