deshatan karva vishe - Metrical Poem | RekhtaGujarati

દેશાટન કરવા વિષે

deshatan karva vishe

દલપતરામ દલપતરામ
દેશાટન કરવા વિષે
દલપતરામ

વિદેશમાં વિચર્યા વિના, પેટ પૂર્ણ ભરાય;

પશુઓ પણ પરભાતથી, જંગલ ચરવા જાય.

ઘેર રહે લક્ષ્મીધણી, હોંશે કેમ હમેશ;

રાજા રાજ્ય વધારવા, વિચરે દૂર વિદેશ.

વિદેશમાં વિચર્યા વિના, મળે મોટું માન;

સમુદ્રમાં વખણાત શું, સીપ તણાં સંતાન.

સાગર પંથ વેપારથી, મળે બહુ ધન માલ;

લક્ષ્મી માટે નિધિ મથ્યો, એહ અસલનો ચાલ.

પુરુષ ફરે પરદેશ તો, તે શ્રમ વ્યર્થ જાય;

પથરા પણ પરદેશ જઈ, મુલ્યવાન કહેવાય.

કદી પ્રવાસ કરે નહિ, હોય આળસૂ રાય;

જંગલમાંનું ઝાડવું ઊગે ત્યાંજ સૂકાય.

પ્રવાસથી તનમન ખિલે, પૂરણ પેટ ભરાય;

પ્રભાત ઉઠી પક્ષિ પણ, ચારો ચરવા જાય.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002