maryada - Metrical Poem | RekhtaGujarati

(અનુષ્ટુપ)

ગઈ લક્ષ્મી : ગયાં પદ્મો : થતાં તું પૃથિવી-પટ

અનોખી સ્વસ્થતા ધારી ડોલતો શાથી અર્ણવ?

ઐરાવત ગયો મૂકી, ઈન્દ્રને મહેલ ડોલવા;

પાંચજન્ય ગ્રહ્યો કૃષ્ણ કાળની વાણી બોલવા;

સૂર્યના સારથિ કેરાં સ્વીકારી તેજ-ઈજનો

લાડીલો અશ્વ ખેડતો આભનાં નીલ કાનનો; 6

અમીકુંભ લીધો દેવે; પીધું રુદ્રે હલાહલ,

વિષ્ણુની ગૌર ગ્રીવાએ વિરાજ્યો મણિ કૌસ્તુભ;

ધન્વંતરી ગયા છાંડી પૃથ્વીનાં દર્દ ખાળવા,

ચન્દ્રમાં આભમાં ચાલ્યા રોહિણી-કંઠ ઝૂલવા; 10

કામદુગ્ધા ગ્રહી ઈન્દ્રે ઇચ્છાની વાડી સીંચવા,

પારિજાત રહ્યાં મોહી રાધિકા–વેણી ગૂંથવા;

સ્વપ્નની સુંદરી જેવાં રંભા ઇન્દ્રપુરી વસ્યાં,

વીરનાં બાહુએ બેઠાં ધનુષ્-કોટિ-પ્રભાવતાં; 14

સમૃદ્ધિ સૌ ગઈ ચાલી છતાં નિર્ધન કાં નહીં?

છે હજી એક મર્યાદા–લાખેણું ધન સહી. 16

સ્રોત

  • પુસ્તક : સોહિણી (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : રતિલાલ છાયા
  • પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ લિમિટેડ
  • વર્ષ : 1951