પૂજાલાલ દલવાડી
Pujalal Dalwadi
(શિખરિણી)
અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા
વિશાળી છાયાઓ સકલ અમ સંતાપ હરતા,
હજારો બાહુઓ પ્રણયમય વિસ્તારિત કરી
લઈ હૈયે ઊંડે ભરત હૃદયે ટાઢક ભલી.
હતું એ હૈયું તો ગહનરસ ગંભીર દરિયો,
અને નૈનો ઊંડાં અમરતતણા કૂપ સરખાં;
હતા માના મીઠા અધર નવલા જીર્ણ વદને,
જહીં રેખે રેખે જનક અમ અંકાયલ હતા.
(અનુષ્ટુપ)
સુખે સાથી અને ભાગી દુઃખમાં બાળકોતણાં,
સ્વભાવે બાળના જેવા દાદા આશ્વાસન સમા.
(ઉપજાતિ)
રિસાઈ દાદાતણી સોડમાં અમે
મનામણાંનાં સુખ માણવા જતાં;
આંસુ ઝૂમંતાં શિશુલોચનોને
દાદા તણો વત્સલ હસ્ત લૂછતો.
વળી ગયેલા વળીને વિશેષ
પંપાળતા પીઠ, હથેળી વચ્ચે
લઈ અમારું મુખ અશ્રુભીંજ્યું
સ્વયં બની ગદ્ગદ કંઠ ચૂમતા :
મનામણાંનાં મધુ વેણ ઊચરી
હસાવતા લોચનનાં જલોને.
(અનુષ્ટુપ)
દાદા ડુંગરના જેવા પ્રેમપાયે વિરાજતા,
ખેલતાં ઝરણાં જેવાં બાળકોને નિહાળતાં.
(શાર્દૂલવિક્રીડિત)
પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદાતણા
ધોળા વાળ ખરી જઈ ચળકતી માથે પડી તાલકી;
ત્યાં કેવાં કરને કુતૂહલભર્યાં બાળો ઘસંતાં અમો,
ને દાદા શિશુ શું હસી અમ શિરે જુલફાં ગ્રહે ઊઠતાં.
(ઉપજાતિ)
હસાવતા ખેલવતા, કુદાવતા
ને મલ્લકુસ્તી નિજશું કરાવતા;
હારી જઈને અમ પીઠ થાબડી
'શાબાશ શાબાશ' કહી રિઝાવતા.
(અનુષ્ટુપ)
પડે વાંક, લડે માડી, બાપુ ઉગ્ર બની જતા;
અમે દોડી જઈ દાદાતણો આશ્રય સેવતા,
આંખ કો કાઢતું તો તો દાદાજી કેસરી સમા
તડૂકી ઊઠતા; બાળ અમે વિજય માનતા.
(ઉપજાતિ)
સાથે સુવાડી કહી મીઠી વાતો
મીંચાવી દે ઘેનભરેલ આંખો;
સ્વપ્ને ધરીને પરીઓની પાંખો;
વાર્તાવિહારે ઊડતા અમે તો.
હજુય શું ઘોરી રહ્યો અઘોરી?
ઢંઢળવા મા જતી એમ બોલી;
દે ઝંપવા ફૂલડું થાક્યું પાક્યું
વારે કહી વત્સલ એમ દાદા.
દાદા જ સામા ઊઠતાં સવારે
આશિષમૂર્તિ સમ 'આવ બેટા'
કહી ઉપાડી નિજ અંકમાં લે
માથે મૂકી હાથ લળી ચૂમી લે.
(અનુષ્ટુપ)
એકલા ના કદી બેસે દાદાજી ભોજનક્ષણે
અન્ન ના ભાવતું બાળ જો બેઠાં હોય ના કને.
(મિશ્રજાતિ)
નાના બનાવી મધુ કોળિયાઓ
મુખે અમારા ધરતા અથાક્યા :
ખવાડવામાં નિજ ભૂખ ભૂલતા,
સંતોષતા ભાવની ભૂખ ભારે.
જો નીકળે બ્હાર બજાર દાદા
નિશાળમાં નિશ્ચય આવવાના :
ટેકો દઈ વાંસની લાકડીનો
બોલાવીને બે જંઈ આપવાના.
મ્હેતાજીને કહે ભૂલચૂક થાયે
તોયે ભલા આંખ બતાવતા ના;
આ બાળકું તો હજુ ફૂલડું છે
મુખે હજુ ધાવણ આ જણાયે.
શેરી મહીં ખેલત બાલબંધુઓ
સાથે અમે પીંપળ-છાય નીચે;
પંખેરું જ્યાં ગાન અખંડ ગાતાં,
ને પાંદડાં તાલ બધાં બજાવતાં.
દાદા પડીકું લઈને મીઠાઈનું
બજારથી ત્યાં અમ પાસ આવતા,
મુખે અમારે કંઈ પાણી છૂટતું,
શી જાફતો ત્યાં તરુ હેઠ જામતી!
(અનુષ્ટુપ)
દાદાનાં સ્મરણો આવાં ખુટાડ્યાં ખૂટતાં નથી,
એકેક સ્મરણે આંખ ભીંજાયે સ્નેહને જળે.
પ્રાણતારે પરોવાયા મણકા સ્મરણોતણા;
ગયા દાદા, પરંતુ એ જપની માળ જીવતી!
(શિખરિણી)
ગયા દાદા વ્હાલા, પ્રતિનિધિ ગઈ પેઢી ભરના!
ગળ્યો કાળાબ્ધિના જળમહીં મહાડુંગર ગળ્યો!
ગઈ મીઠેરી એ હૃદય હરિયાળી ઊડી ગઈ!
ભલાઈ, ભોળાઈ ગઈ! પ્રણયવેલી ગઈ બળી!
ગયા દાદા વ્હાલા અમ ભવનના શંભુ સરખા!
હવે સૂના વાસે બજત ભણકારા ગતતણા.
છબી હૈયે કોરી સજીવન થઈ માનસપટે
ઝરંતા આંસુની ઉપર લળતી એ હજુય આ!
હવે તો દાદાઓ દુરલભ થયા, દારુણ સમો.
અકાળે બાળો જ્યાં કરમઈ જતાં, શી રીત તહીં
ચહે વાસો દાદા? શિશુસુમનિયાંને લઈ સુખે
ખિલાવીને ખીલે અમરત-રસ્યા નંદન વિષે.
સ્રોત
- પુસ્તક : પરિવાર-કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 106)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2015
