Chopati ni Tekri Parthi Joyelo Dekhav - Metrical Poem | RekhtaGujarati

ચોપાટીની ટેકરી પરથી જોયેલો દેખાવ

Chopati ni Tekri Parthi Joyelo Dekhav

નર્મદ નર્મદ
ચોપાટીની ટેકરી પરથી જોયેલો દેખાવ
નર્મદ

(દોહરા)

ચ્હડિને ઊંચે બેસતાં, વદતાં મ્હોડે હાસ!

પામ્યો હૂં આનંદ બહુ, જોતાં ચારે પાસ.

ખાડીના ઘોડા સહૂ, ઘુઘુઘૂ કરતા જેહ;

એકક પાછળ ચાલતા, લાંબી હારે તેહ.

કાંઠાભણિ તેઓ ધસે, ઘણી ઝડપથી તોય;

ઊંચેથી ગંભીર બહુ, ધીમે પગલે સ્હોય.

ચાલી નિજ પાછળ કરે, રુડા શેરડા શ્વેત!

ધૂમકેતુની પૂછડી, રૂપાકારે ચેત.

વાદળથી ઢંકાયલૂં, ઝાંખૂં બહુ આકાશ;

થંડો વાયૂ આવતો, જરા જરા લઈ વાસ.

ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ;

ઇમારતો પથ્થર ચુને, શોભે છે સહુ શ્રેષ્ઠ.

ડાબિ પાસ દુર જાઉં તો, ખિચોખીચ દેખાય;

તાડ મજૂરી મ્હાડ ને, ઝાડ બિજાં સોહાય.

પેલિ પાસ એની વળી, ઊંચા ઘરો જણાય;

ટેકરિયો ભૂરી ઘણી, ઘાડિ હવાએ થાય.

પાસે નીચે જોઉં તો, ચારતણો શો બ્હાર;

વિધવિધ લીલા રંગની, શોભાનો નહિં પાર.

નથી ચિતારો જગતમાં, મેળવિ જાણે રંગ;

નથી કવિ કો જગતમાં, કહેવે ધરે ઉમંગ.

વેંત વેંતની કૂમળી, ચાર-બિછાનું સ્હોય;

ખુબી પિછાને એહની, જે અંશીજન હોય.

દરિયાનૂં ઘૂં ઘૂ થવૂં, ઘંટીનૂં ધમધંમ;

વાયૂનૂં ફરફર થવૂં, વસ્તીનૂં ધમધંમ.

એ સહુ દુરના નાદ તે, ધિમા પડી ભેળાય;

મધુરા લાગે કાનને, તે તે ક્યમ વરણાય.

કાક શબ્દ પણ લાગતો, મધુરો કાને યાર;

મઝો ઘણી એકાંતમાં, દુગધા નહીં લગાર.

કુદરતને કુદરતતણા કરતાતણા વિચાર;

સ્હેજ વસે છે મંનમાં, ચમત્કાર છે સાર.

ઘણી જગોએ મેં લખ્યા, એવા બહૂ વિચાર;

માટે તેના તે ફરી, નથિ લખતો આ ઠાર.

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ