ચિર વિષાદ ભર્યો
Chir Vishad Bharyo
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
ચિર વિષાદ ભર્યો નયનો મહીં
તૃણ સમું હળવું ઉર શેં થશે?
ઉદધિ-મર્મરમાં ભૂલવું બધું;
પ્રણય! જા, સઘળું સળગી ગયું...
કટક જીવનમાં સ્મરનું લઈ
પ્રણય એક જ વેળ પધારજે,
જીવનમાં ફરી એમ તું આવતાં
હર થઈ દહવો, થવું ખાક વા.
ફક્ત એક જ ફાગણ માસમાં
ભભકમાં સળગે અહીં કેસૂડો;
પ્રણય, એમ જ તું વિજયી થજે
ફક્ત યૌવનની જ વસંતમાં–
ફરી પધારવું હોય, પધારજે
પ્રણય, તું અતિથિ લઈ આવજે —
ઇશૂની જનની જેવી મોક્ષદા માત લાવજે,
દાન્તેની મુક્તિદા જેવી લાવજે વા બિયાટ્રિસ.
સ્રોત
- પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
- વર્ષ : 1959
