chandroday - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચન્દ્રોદય

chandroday

નર્મદ નર્મદ
ચન્દ્રોદય
નર્મદ

(ઈંદ્રવજા)

કેવો ઊગે શરદેંદુ આજે,

પૂનેમરાકા શુભ પૂર્ણ સાજે,

માણિક્ય કાંતિ વડું બિંબ રાજે,

રંગે જગતને નિજ રંગમાં જે.

ટાળી નવા કેસરનો સુરંગ,

આરોહણે તે થઇને ઉતંગ,

ધોળું સતેજું કુમળું સલૂણું

સ્વચ્છ પ્રકાશે નથી કાંઇ ઊણું.

સુગંધ ને શીતળ મંદ વાએ,

કાલિંદી દીપે જળલહેર માંહે,

રેતીતટે તે રમણીય થાયે,

વેલી ઘટા વૃક્ષ વને સુહાયે.

દશે દિશા ચાંદ્રણી ઝગારે,

વનસ્પતિને ગુણમાં સમારે,

પ્રાણી સહુના મનને ઉજારે,

પ્રેમી જનોના રસને વધારે.

ઉત્ફુલ્લ માલતી પોયણી છે,

હિમાંશુ કિર્ણે ચમકે ઘણી છે,

પ્રસન્ન રાત્રી વન ચંદ્રિકા છે,

પ્રસન્ન હું છું, પણ ગોપી ક્યાં છે?

હેમંતમાં મેં ભણ્યું વેણ જેહ,

આજે શરદમાં કરૂં પૂર્ણ તેહ,

રાસે રમાડું યુવતી પ્રિયાને,

કંદર્પ જીતું લખું એકતાને.

પરસ્પરે મત્સર ના ધરે તે,

એકાગ્રતાએ મુજને ભજે તે,

ઇચ્છા હું પૂરૂં સમતાસ્વભાવે,

વજાડું વેણું સ્મરને ગાવે.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023