રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો વસંતતિલકા
શય્યા મહીં સૂતી’તી હું મુજ નેત્ર વીંચી,
નિદ્રા હજી નયનમાં પૂરી નહોતી સીંચી;
શય્યા સમીપ હતી જાળી જરા ઊંચીને,
બે બંધ દ્વાર મહીં છિદ્રથી સર્વ દીસે. 1
તોટક
નવ લક્ષ હતું મુજ તે ભણીને,
કરતી પ્રભુ પ્રાર્થન ચિત્ત વિષે;
કંઈ તેજ અચાનક છિદ્ર થકી,
મુજ ચક્ષુ પરે પડ્યું ત્યાં નીકળી. 2
હરિગીત
મેં ધીરજથી ચક્ષુ ખૂલ્યાં ને જાળી ભણી દૃષ્ટિ કરી,
ને ચારુ ચંદ્ર દીઠો નભે તે ત્યાં જરા ઊભો ઠરી;
મન મારું આકર્ષ્યું અતિ ને હું ઊઠી શય્યા થકી,
બે દ્વાર ખોલી નાંખિયાં, હું બારીમાં ઊભી રહી. 3
શાર્દૂલ
જે રશ્મિ તણી કાન્તિથી થઈ અતિ આસક્ત હું ઊઠીને,
રશ્મિ ક્યાં ગઈ કાન્તિ ક્યાં ઊડી અને એ તેજ નિસ્તેજ છે;
ભાસ્યું જે શશી એ વળી ચિત હરી નિદ્રા તજાવી હતી,
તેનો તેજ સમસ્ત કાન્તિ ગુમાવી ઝાંખો રહ્યો’તો બની. 4
હરિગીત
“ઓ ચાંદ! મારા વીર! તું નિસ્તેજ કેમ મને
દીસે, નથી સૂર્ય સમી કાન્તિ કંઈ તું તુચ્છ તેની
આગળે; રશ્મિ મને ચારુ જણાઈ અંધકારે તો ખરે,
અથવા હું છું નિસ્તેજ તેવો - તેથી - તું લાગે મને. 5
તોટક
પણ વ્યાધિથી હું પકડાયેલ છું; નવ
તેવું તને દુઃખ છે જ કશું.
મુજ તેજ ગયું મુજ વ્યાધિ થકી;
તવ કાન્તિ ગઈ ક્યમ? બોલ નકી. 6
ભુજંગી
વળી અન્ય તારે કૃતે નિશ્ચયે છે,
પૂરો પૂર્ણિમા દિન તું ખીલશે એ;
નથી નક્કી મારું કંઈ કોઈ રીતે,
થઉં સર્વથા હું સુખી ના થઉં કે? 7
શાર્દૂલ
છે મારે મનની વ્યથા અતીવ ને, તારે વ્યથા શી વીરા?
મારી ને વળી તારી મધ્ય બહુ છે ભેદો રહેલા ખરા;
હું તો અહીં અશુદ્ધ આ જગતમાં વાસો કરીને રહું,
ને તું શુદ્ધ નભે સદા વિચરતો શું સુખ તારું કહું? 8
વસંતતિલકા
આશા નથી જગમહીં મુજને કશીએ,
તારે શિરે જગત આશ બહુ રહી છે;
તું ઔષધિ ઉપર પોષક તો ગણાયે,
ને એ રીતે જગત રક્ષણ તુંથી થાયે. 9
અનુષ્ટુપ
સોંપ્યું કર્તવ્ય છે તુંને, સ્નેહ તો પ્રભુએ કરી,
શક્તિહીન થઈ છું હું, પ્રીતિ તારી પરે ઠરી. 10
હરિગીત
સર્વે રીતે તું પૂર્ણ સુખી છે તોય આવો ક્યમ રહે?
તુજ તેજ કાન્તિ ક્યાં ગયાં કેમ પાંડુવર્ણો તું કહે?”
આવું વિચારું મન મહીં ત્યાં ચંદ્ર ઊંચે આવિયો,
વૃક્ષો થકી છુપાયલો તે પ્રકટ પૂરતો છે થયો. 11
અનુષ્ટુપ
ભાસ્યું ઊંચે ચડ્યો ચંદ્ર દેવા ઉત્તર મુજને,
ગતિ એણે કરી તેથી પરખ્યું સત્ય કારણે. 12
તોટક
વિભુએ રવિ ઉપર મહેર કરી,
શશીથી અધકી પ્રીતિ તો જણવી;
દિનરૂપી સ્ત્રીથી વરવ્યો રવિને,
અતિ શ્યામ નિશા દીધી છે શશીને. 13
અનુષ્ટુપ
શ્યામ રાત્રી સમી પત્ની ચંદ્ર લજ્જિત તેથી છે,
પાંડુવર્ણો કર્યો તેણે કાન્તિ સર્વે લૂંટી અરે!
નિશા આવે પતિ પાસે શ્યામ છાય પડે અતિ,
તેથી સર્વે ગયું તેજ, ચંદ્રનું સમજું નકી. 14
સ્રોત
- પુસ્તક : કવિતા (સુમતિ-સર્જન ગ્રંથાવલી : 3) (પૃષ્ઠ ક્રમાંક 128)
- સર્જક : સુમતિ લલ્લુભાઈ શામળદાસ
- પ્રકાશક : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
- વર્ષ : 2011
- આવૃત્તિ : 2