chandroday - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચંદ્રોદય

chandroday

દલપતરામ દલપતરામ
ચંદ્રોદય
દલપતરામ

(ઉપજાતિવૃત્ત)

ઉગ્યો શશી પૂરવ દીશ એવો આકાર આદિત્ય જણાય જેવો;

જાણે મહારાયનું રૂપ ધારી, આવ્યો પ્રજાને ઠગવા રબારી.

પાતાળમાં પન્નગરાય રાજે, તેણે સજાવી રવિરાય કાજે;

વાળુની વેળા નજરે નિહાળી, મોકલી એક સુવર્ણ થાળી.

શશાંકનું સુંદર બિંબ જોઈ, કહે વિચારી, કવિ એક કોઈ;

પાતાળમાં શું નટવો નચાવ્યો, તેણે થાળ ઊંચે ઉડાવ્યો.

શશાંકનું બિંબ ઉંચું ચડે છે, દેખાવ કેવો નજરે પડે છે;

જાણે નિરાધાર જતું નિહાળ્યું, આકાશમાં એક બલૂન ચાલ્યું.

શશાંકનું તેજ બધે છવાયું, જાણે હવે રાજ્ય નવું સ્થપાયું;

તારા નિહાળ્યે જણાય ઝીણા, જાણે દબાયા નૃપ જોરહીણા.

આકાશ સંપૂર્ણ સુધાંશુ શોભે, જોતાં જનોનાં બહુ ચિત્ત લોભે;

જાણે નિશાસુંદરી એક છે, તેજસ્વિ તેનું મુખ સ્વચ્છ તે છે.

લગાર જે તીવ્રપણું રાખે, તો વિશ્વમાં તે નર કોણ ભાખે;

જો ચંદ્રમાં તીવ્ર નથી લગારે, તો પંડિતો સ્ત્રીમુખતુલ્ય ધારે.

સુધાંશુને છે કૃતિકા સમીપે. દેખાતિ તેની ભલિ દીપ્તિ દીપે;

જાણે હિરાનું શુભ ઝૂમખું છે, કાને નિશાસુંદરિએ ધર્યું છે.

સુધાંશુ જો વૃષરાશિમાં છે, તેથી બની અદ્ભુત જુક્તિ ત્યાં છે;

જાણે શરીરે શણગાર સાજી, માહેશ્વરી વૃષભે બિરાજી.

રહી સમીપે વળી રોહિણી છે, ગાડા સરીખી દિસતી ગણી છે;

જાણે ભરી જોખમવાળી ગાડી, ચંદ્રે ચલાવી કરીને અગાડી.

શીતાંશુની શીતળતા છવાઈ, જયાં જોઈએ ત્યાં જગમાં જણાઈ;

જાણે પ્રજાના ગભરાટ કાળે, જણાવિયું શાંતપણું નૃપાળે.

તારા શશીથી અતિ છેક દૂર, તથાપિ દીસે શશિની હજૂર;

જાણે રવિને જીતવા લડીને, આવ્યું શશીસૈન્ય બધું ચઢીને.

ક્યાં સૂર્ય ને ક્યાં શશિ તે બિચારો, તથાપિ જોજો જનસૃષ્ટિ ધારો;

ગરીબનો કાળ બળીષ્ઠ આવે, ગરીબને રાજ્યપદે ચઢાવે.

અરે શશી તું તજ ગર્વ એવા, ઘણા દિઠા છે શશિ તુંજ જેવા;

ગુરુ કને ચાર શશિ વિખ્યાત, શની કને તું શશિ દેખ સાત.

બે લાખને આડત્રિશે હજારે, મૈલે રહે ચંદ્ર મહીંથી પારે;

રવિ રહે છે નવ કોટિ દૂર, પ્રતાપીને હોય બધું હજૂર.

વળી વિધુથી વસુધા ઘણી છે, એકોનપંચાસ ગુણી ગણી છે;

સ્વામી થવાને શશિ આશ લાવે, અજા મુખે કેમ કલિંગ આવે.

ઘોડી દિસે છે રથ રોહિણી છે, બળિષ્ઠ જો બળદે તહીં છે;

તારા ઘણા પેદળ રૂપ ધારી, જાણે નિશાનાથ સજી સવારી.

આકાશ કે મોટું તળાવ છે, તારા હશે કે જળજાત તે છે;

અને જુઓ જે શશી ઉગ્યો છે, તેજસ્વિ તે કોઈક કાચબો છે.

શશાંકમાં શામળ ડાઘ જોઈ, કહે વિચારી કવિરાજ કોઈ;

આદર્શ જેવો શશી સ્વચ્છ છે, તેમાં ભુમીનું પ્રતિબિંબ તે છે.

બીજો કહે છે નભપત્ર છે, તારા નહીં અક્ષર તે લખ્યા છે;

મહોર ઇંદુ પ્રભુની પવિત્ર, તેમાં મૃગાકાર વિચિત્ર ચિત્ર.

ત્રીજો કહે મંથિત સિંધુ જ્યારે, હતો શશી સાગર મધ્ય ત્યારે;

જે ઘાવ મંથાચળથી થયેલા, ડાધ તેના શિશમાં રહેલા.

ચોથો કહે છે ક્ષયરોગ એને, વધે ઘટે છે તન રોગ તેને;

ને ટાળવા કાજ ઉપાય કીધા, કોઈ વૈદે ઉર ડામ દીધા.

ગ્રહો શશી તો ફરતા દિસે છે, તારા બીજા તો સ્થિર થૈ ઠસે છે;

આકાર એથી ફરતા ધરે છે, વિચિત્ર દર્શાનળિકા ફરે છે.

જે એક આદિત્યથી કામ થાતું, શશાંક તારાથી નથી કરાતું;

કરે વડૂં કામ પ્રતાપિ એક, થાય નિર્માલ્ય જને અનેક.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008