chandni - Metrical Poem | RekhtaGujarati

શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને

અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા'રમાં!

કપૂરધવલા આછી ગાઢી હસે મૃદુ ચાંદની,

પવન પર થૈ ધોળાં ધોળાં ખસે રૂપઆભલાં.

પલ પલ ખૂલે જ્યોત્સ્નાકેરાં દલેદલ, મધ્યમાં

પ્રકટ પૃથિવી ઊભી જાણે લસે નવપદ્મજા!

પૃથક ઘટકો ચન્દ્રીતેજે પરસ્પરમાં ગળી,

સુઘટિત રચે એકત્વે સૌ કલામય પુદગલ.

દિવસઅજવાળે જે દીસે વિરૂપ, લજામણું

સ્વરૂપ પલટી તે તે ઊભું નવું સુહામણું.

જગસકલની ત્રાંબાકૂંડી ભરી તસુએ તસુ,

શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી!

ભવન ભવને મેડીસૂતાં મીઠાં યુગલો પરે,

સહજ અમથાં છિદ્રોથીયે નરી મમતા દ્રવે!

ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,

પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!

અશરીર છતાં આકારો લૈ મનોહર ઊતરે,

ગહન વિમલાં સૌન્દર્યો શાં રહી રહી નીતરે!

(ર૭-૭-'૪૭)

સ્રોત

  • પુસ્તક : બૃહદ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010