રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(વિષમ હરિગીત)
શાન્તિ શીતળ વરશીને સુખમાં સૂવાડું રાત્રિયે,
જે નદી, સરવર, અદ્રિતરુવર, દિવસ તપિયાં ત્હેમને;
કુમુદિની કરમાઈ દિવસે થાકીને સૂઈ જતી
ત્હેને જગાડું કરવડે મૃદુ સ્પર્શ કરીને પ્રેમથી.
કન્યકા હું કુળવતી, મુજ તાત મ્હોટી મેદિની,
તેજસ્વી સૂર્ય પિતાજી મ્હારા, હેમનાથી રહું બ્હીની,
માત મ્હારી પૂજ્ય ત્હેની પ્રદક્ષિણા કરું ઉરથી.
મુજ તાત તે પણ પૂજ્ય ત્હેવા, વન્દના કરૂં દૂરથી.
નામ ચંદા મધુરૂં મ્હારૂં પાડિયું મુજ માડિયે;
ઘણી વેળ વિચરૂં ખેલવા આ વ્યોમકેરી વાડિયે;
માંહિ વ્હેતી વ્યોમગંઙ્ગા દૂધ જેવી ઊજળી,
ને ફૂલડાં ખીલ્યાં રૂપાનાં તે ગણંતી કરું વળી.
ફરૂં બ્હીતી તાતથી, પણ માત મુજ મન ભાવતી
નિજ સંગ લેઈ ધીમી ધીમી પ્રદક્ષિણા જ કરાવતી;
બન્ધુ મ્હારો રાહુ તે ઊઠ્યો કુછન્દી કૂબડો,
કંઈ કોટિ વેળ મુને કનડતો, એ અકારો થઈ પડ્યો.
બ્હાર્ય જાય પિતાજી ત્ય્હારે આંગણે રમું કોડથી,
રૂપા અને હીરા તણી ગેંદો લઈ ને દોડતી,–
એક લઉં, બીજી ઉછાળું, ત્રીજી શિર ઝીલું ધશી,
વળી ફેંકી સઘળી વેગળી માડી ભણી નિરખું હશી.
માગ્યું માત મહી કને, ને તાતની અનુમતિ લીધી,
આ મૃગલુંમ્હારૂં; –બાપુ! ત્હેં હજી સુધા કેમ નથી પીધી?
સુધા પાતી એહને, –ભરી કુમ્ભ આપ્યો તાતજી–
રાખું ઉછંગ મહિં સદા હેને કદાપિ ન દઉં તજી.
વાંકું વળિયું રમ્ય રીતે અણીઆળું નાવડું
માતાપિતાએ આપ્યું મુજને, કોદી તેપર જઈ ચઢું,
ચઢી મૂકું તરતું તે સ્વચ્છન્દ ચાલ્યું જાય ત્ય્હાં,
ઊંડું ભૂરું આકાશકેરું જળ અમળ પેલાય જ્ય્હાં.
ત્ય્હાં ઘને કો ઠામ વેરી ઝીણી રુપેરી રેત્ય તે
લઉં ખેલવા લંબાવી કરને નાવડેથી જતે જતે;–
ને બધી આ વેળ હરણું મ્હારું જે બહુ બ્હીકણું,
મુજ સોડ્યમાં સંતાઈ સૂતું, એ મુને રુચે ઘણું.
હેવી મેઘની રેતી સરસું નાવ મુજ ઘસડાય જ્ય્હાં,
મધુરા, રસીલા, મન્દ, ઝીણા, સુન્દરા, સુર થાય ત્ય્હાં;
માત્ર દિવ્યજનો સુણે એ મીઠું ગાન મનોહરું,
ને સુણે હરણં માહરું ને ઊંઘ મીઠી લે ખરું.
ઊઠી હું મૃદુ ને સુંવાળી સેજમાંથી જળતણી,
નાંખું નજર ઝીણી શીધી સાગર અને ભૂમિ ભણી;
રંગરાતું મુખડું મ્હારું કંઈ વિશાળું સિન્ધુમાં
ધોઈ કરી ચઢું વ્યોમ, વળગ્યાં વાળશું જળબિન્દુડાં.
મેઘ પેલો મસ્તીખોરો મુજને રંજાડવા
કંઈ યુક્તિયો બહુવિધ કરે ભંગાણ સુખમાં પાડવા,
પણ હું તો હસતી રમંતી ફરું ઉપર નભવિશે,
ને એહ અસ્થિર મેહુલાશું કદી ભરાઉં નવ રીસે;
એ જ મુજને પ્રેમભર આલિઙ્ગીને કદી લાડતો,
કોસમે નિજ સિંહાસને મુજને વળી બેસાડતો,
ને રુપેરી કોર્યનો રૂમાલ ધોળો દે કદી,
કદી પાથરે મૃદુ સેજ તેપર વળી ક્ષણભર રહું પડી;
કો ઘડી વળી શામળી નિજ શાલ લેઈ તેવડે
મારી ઝડપ રમતો રમંતો મુખડું મુજ ઢાંકી દિયે,
ને ત્યહાં અંબોડલો મુજ જાય છૂટી તે સમે,
ને વાળ ચળકંતા રુપેરી વિખરી ચોગમ રમે.
પૂર્ણ પામી વિકાસ મુખ મુજ હાસ કરતું પ્રેમથી,
તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે સ્હામો હશી,
ને કરંતો મન્દ મન્દ ઘુઘાટ ભર આનન્દશું,
ફેંકી તરઙ્ગો મુજભણી ધીમે ધીમે નાચંત શું!
ભેટવા વિસ્તારી કરને બાથ ભીડું માતને,
તે મુને મન્દ હસંતી નિરખે પ્રેમભીનાં લોચને;
અચળ પેલા તારલાની આસપાસ ઘૂમંતી તે
સપ્તર્ષિ કેરી ગાડલી મુજ દૃષ્ટિ પડતાં ફીકી બને.
નદીમાં, સરવરોમાં, ને સિન્ધુ કદી ન્હાતી હું,
તે વેળ થોડાં તારલાને સંગ મુજ લઈ જાતી હું;
ત્યાંહિ નાચું લ્હેર કરતી, વળી ડૂબકાં ખાતી હું,
ને મૃગલું મ્હારું તેહને એ નવલજળ કદી પાતી હું.
કદી ઊંચા પર્વતે ચઢી ટોચ પર ઊભી રહું,
નીચે બિછાવી મ્હેં રુપેરી તેહ જાજમ નિરખું
દૃષ્ટિ ઊંચી ફેંકું વળી ઊંડું ભૂરું આકાશ જ્ય્હાં,
ફરી જોઉં બળી રમતો પવન વનવેલી સંગે રાસ ત્ય્હાં.
એક પર્વતરાજ મુજ નીચે વિરાજે વિસ્તરી,
જે’નાં શિખર પર હિમ નિરન્તર વાસ કરી રહે છે ઠરી,–
નિજ તળે સુવિશાળ ખણ્ડ પડ્યો અલૌકિક તેહની
વિધવિધ દશાઓ ઊંચી નીચી કાળચક્રે ફરી ઘણી,
ને અનન્ત ગયો જ વીતી કાળ ત્હેમાં નિજ સ્થિતિ
નિશ્ચલ રહી, તે જોઈ કરતો હાસ કંઈ ઉજ્જ્વળ અતિ,–
એહવો મ્હોટો મહીધર નભમહિ ધરતો રસે
હજ્જાર શૃઙ્ગે દર્પણો, પ્રત્યેકમાં મુખ મુજ હસે.
કોસમે વળી મધ્યનભમાં રહું ઊભી ઝઝૂમતી,
નીચે સૂતાં જે ઝાડઝુંડો ત્ય્હાં નજર મુજ ઘૂમતી;
મુજ કરે રુપેરી બુટ્ટાદાર શતરંજી ગૂંથી
ત્ય્હાં પડી તે જોવા હું નાંખું દૃષ્ટિ ઝીણી મથી મથી.
પછી નીચે ઊચરું જ્ય્હાં વ્યોમપૃથ્વી ચુમ્બતાં,
ને તરુઘટાબાકાં મહિં મુજ પ્હોળું મુખ ધરી થંભું ત્ય્હાં;
પછી સિન્ધુકિનાર પર પળમાત્ર હું ઊભી રહી,
કરી ડોકિયું ફરી એકવેળા, સૂઉં જળસેજે જઈ.
મેઘ નિદ ચઢતીસમે મુજને દમે વિખુટી કરી
માડીથકી બહુવેળ લગી આ વ્હાલસોહી દીકરી;
વિરહ ટળી જે વેળ મળી મુજ માડીને નિરખું ફરી,
તે વેળ કે’વું પ્રફુલ્લ મુખ મુજ! ધરે શોભા સુન્દરી!
કોઈ કોઈ સમે તથાપિ વિયોગઅવધિ અંદરે
પાદપ્રહારે તોડી ઘનપડ, પછી જનનીમન્દિરે
ડોકિયાં કરું જ્યાંહિં જ્યાંહિં પાડી બારી એમ મ્હેં,
ને માતમન્દિર મુકુર મૂકિયા મુખ નિરખવું ત્ય્હાં ગમે.
ન્હાનું મ્હોટું થાય વપુ મુજ, પણ નિરન્તર અમર હું,
ને જે સમે દેખાઉં નહિ તે સમે તાતની ગમ રહું;
એક ફેરી ફરી રહું માડી પછાડી જ્યાહરે,
જઉં એક વેળા ભેટ લેવા તાતની તો ત્યાહરે.
સલૂણી સન્ધ્યા સખી પ્રિય મુજ, ભેટ લેવા તેતણી
મુજ હોડલામાં બેશીને જાઉં કદી હું બની ઠની;–
પવન મૃદુથી આંગણું વાળી સમાર્યું સ્નેહથી,
વેર્યા કુસુમ નવરંગ હેમાં ઝીણઝીણા મેહથી.
શાન્ત હેનું નિરખી મુખ મુજ સુખનદી નવ થોભતી,
નારંગી રંગે સાળુ સુન્દર પ્હેરી સખી શી શોભતી!
ચકચકિત સહુ પ્હેલ ચ્હોડ્યો તારલો સખી ભાળમાં
લાડંતી અડકું એહને કદી આવી જઈ બહુ વ્હાલમાં.
હેવી હેવી રમત વિધવિધ સખી સંગ રમંતી હું,
પણ ભેટવા આવે મુને એ ત્યાહરે ચમકી બિહું,–
કેમકે સ્હામેથી પેલી આવી કાળી રાક્ષસી–
મુઈ રાત્રિ–હેણે દૂર સખિયો કીધી ક્રૂર વચે ધશી.
ઊડી ગઈ મુજ સખી ઝીમી પાંખ નિજ ઝળકાવીને,
ને મુજને તો રાક્ષસીએ પકડી લીધી આવીને;
રાખી કરમાં થોડી વેળા પછી મુને તે ગળી ગઈ,–
જામે નહિ–હું અમર છું ને બેઠી મુજ મન્દિર જઈ!
સ્રોત
- પુસ્તક : કુસુમમાળા (પૃષ્ઠ ક્રમાંક 91)
- સર્જક : નરસિંહરાવ ભોળાનાથ
- પ્રકાશક : જીવનલાલ અમરશી મહેતા
- વર્ષ : 1912
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ