chahish beyne hun - Metrical Poem | RekhtaGujarati

ચાહીશ બેયને હું

chahish beyne hun

કલાપી કલાપી
ચાહીશ બેયને હું
કલાપી

તુને ન ચાહું ન બન્યું કદી એ,

તેને ન ચાહું, ન બને કદી એ;

ચાહું છું તો ચાહીશ બેયને હું,

ચાહું નહીં તો નવ કોઈને હું.

આ પુષ્પ છે, આ નદી છે, ઝરા છે,

આ પક્ષીઓ સૌ નભમાં ઊડે જે,

તેમાં વહે છે સરખો અનિલ,

અર્પે પરાગે સૌને સમાન.

ના એકને ને ક્યમ એકને તે

અર્પી શકે જે રજ તે ગ્રહે છે?

અર્પે સમાન નહીં તો ન અર્પે,

અર્પે નહીં તે ગ્રહશે નહીં એ.

કયાં ચાહવું તે દિલ માત્ર જાણે,

તેમાં ન કાંઇ બનતું પરાણે;

ત્યાં બુદ્ધિના જોરની કૈં ન કારી,

બુદ્ધિ તણો માર્ગ જુદો જ કાંઇ.

આ ન્યાય, આ યાગ્ય, ન પ્રેમ જાણે,

પૂરે વહેવા પડી ટેવ તેને;

ચાહું તને હું વહી તે જ પૂરે,

તેને હું ચાહું વહી તે જ પૂરે.

તે પૂર તે પ્રેમ જ માનજે તું;

તે ખાળતાં પ્રેમ જ ખાળશે તું;

તેને ન ચાહું, તુજને ન ચાહુ,

તે ખાળતાં તે પરિણામ મ્હારું.

જો ખાળશે એ દિલનો તું માર્ગ,

છૂટી રહેશે પછી બુદ્ધિ માત્ર;

બુદ્ધિ ગણે છે સહુને સમાન,

ત્યાં કોઇની ઉપર કૈં ન વ્હાલ.

ખેંચાણમાં તુ મુજને જવા દે,

ખેંચાણ બ્હારે અથવા થવા દે;

ચાહું નહીં તો નવ કોઇને હું,

ચાહું છું તો ચાહીશ બેયને હું.

(૧ર-૦૬-૧૮૯૬)

સ્રોત

  • પુસ્તક : કાવ્ય – કોડિયાં – કલાપીનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982