દલપતરામ
Dalpatram
મહીવાસીના મુલકમાં, તેથી ઉપજે ત્રાસ;
વિશ્વ વિષે વિખ્યાત છે, વસુધામાં મહીવાસ.
રાજશત્રુ ત્યાં જઈ રહે, રહે લુંટારા ચોર;
પણ તે કદિ પકડાય નહિ, અતિ અંધારું ઘોર.
સાગર સ્થાનક મચ્છનું, ભૂત સ્થાન કૈલાસ;
સુરનું સ્થાનક સ્વર્ગ છે, ચોર સ્થાન મહીવાસ.
રહે રાત દિન રખડતા, ભય તજી ભીલ અપાર;
એક દિસે એમાં વળી, સર્વતણો સરદાર.
છૂટક છૂટક છાપરાં, કરી રહેલાં કોઈ;
કંઈક ગુફામાં ગુપ્ત રહે, જગ્યા છાની જોઈ.
ભામની ભાસે ભીલડી, બાળક લઈ બે ચાર;
ચણોઠીયોના ચોસરા, હૈડે પહેરી હાર.
એક કુહાડી કાખમાં, એક છરો અણિદાર;
કરમાં તિર ને કામઠું, એ નરનો શણગાર.
ટૂંકી પહેરે તંગડી, માથે ફેંટો એક;
તન તો સઘળું તેહનું, છે ઉઘાડું છેક.
ન ગણે તડકા ટાઢને, વળી ન ગણે વરસાદ;
શિકાર શોધે સર્વદા, નિશદિન તેહ નિષાદ.
પગમાં ન મળે પગરખું, નહિ અંગરખું અંગ;
તેના તનનું ચામડું, બખ્તર તુલ્ય અભંગ.
એક ઉપર આપદ પડે, કરે ઢોલ ધમકાર;
ભેળા થઈ જાય ભીલડા, પળમાં પાંચ હજાર.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
