બલવંતરાય ઠાકોર
Balvantray Thakor
(ઉધોર)
ઇચ્છું ચહું એક જ ખાસ-,
લહરી-ચળક-થનગન પાસ,
માથે ગગનનો ઉજાસ,
એવી કેડીનો ઉલ્લાસ.
કેડી ભોમ ભમતી જાય,
મોટી, સૂક્ષ્મ, મધ્યમકાય,
નગરે ગામડે ફંટાય,
ત્રૂટે ને વળી સંધાય.
ઊતરે, ચડે, ચક્કર ખાય,
વન રણ ખેતરોમાં ધાય.
એવી કેડી વાંછું ખાસ,
પાસે સલિલ ખેલે રાસ,
શિર પર ગગનઘુમ્મટહાસ,
રોમે ફરફરે ઉલ્લાસ!
(૨)
દિન દિન તેજ ઓજસ પૂર,
દિન દિન વાધવાનાં શૂર :
આંખે નવલ નવતમ નૂર
દિન દિન ભરે, પોષે ઉર.
(૩)
જ્યાં જ્યાં રાત, વાસો ત્યાંય
પ્હૉળી પૃથાખૉળા માંહ્ય :
આવે નીંદ પંખીન્યાય,
મટકે વ્હાણું આવી વાય!
(૪)
કદીકે કૌમુદીનાં પૂર,
જાજરમાન કોમલ નૂર,
કદી નક્ષત્ર કદી અંધાર,
ઝઝૂમી સરે જલ મોઝાર :
ઊંડાં ગયબી જે પાતાલ,
ઊંચાં વ્યોમ જે નભપાર,
—બંને તણા તાજુબ તાર
વિશ્વે રણઝણે તે વાર.
જિગરે સરે એ કંઈ સૂર,
—કંઈ શા મર્મરન્ત સુદૂર!
ઇચ્છું ચહું વાછું એહ
કેડી ભોમ ભમતી તેહ;
ને જે વ્યોમ જે પાતાલ
ભોમે, દાખવે કંઈ જેહ.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 158)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
