bhai - Metrical Poem | RekhtaGujarati

બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું

વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;

અને કોસે તો બસ હદ કરી: આંખ મળતાં

ઉલેચ્યાં પાતાલો પુનરપિ, હવે તે ટપકતો

રહ્યો ભીંતે. બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી

કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.

ચડ્યો ઝોકે એવો બળદ પણ. બીજો મુજ સમો

રહ્યો વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહીં

પછી તો ડૂંડાંઓ, હરખ નવ માયો હૃદયમાં.

ફરી આવું ઘોડું ચલ મન, જરી ખેતર વિષે.

જતાં રોડું વાગ્યું, ચરમ લથડ્યો, આંખ ફરકી,

અહીં ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો!

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2