bari bahar - Metrical Poem | RekhtaGujarati

વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો,

‘આવ’, ‘આવ’, દિશાઓથી સૂર કર્ણ આવતો.

આવે વાયુ પ્રથમ ભીતરે સિંધુના મોજ ચૂમી,

ઘૂમીઘૂમી વન વન મહીં પુષ્પની ગંધને લૈ;

માળે માળે જઈ જઈ લઈ પંખીના ગાનસૂર,

લાવે હૈયે નિકટ મુજ જે આંખથી હોય દૂર.

આકાશેથી કિરણ ઊતરી સર્વ વાત કે'તાં,

નાચ્યાં કેવાં જલ ઉપર ને કેમ પુષ્પો ઉઘાડ્યાં;

પેઠાં છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસ માંહી,

વીણ્યાં બિન્દુ શબનમ તણાં ઘાસ માંહી છુપાઈ.

પુષ્પો અને પર્ણ તણી પૂંઠેથી

પંખી તણાં ગીત અનેક આવતાં;

સંદેશ તેનો સમજું નહીં ને

કાં હર્ષનાં અંતર ધોધ છૂટતા?

નમાવી ડાળીઓ, સર્વે, માર્ગમાં પુષ્પ પાથરી,

‘આવ’, ‘આવ’, બધાં વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી.

પાસેથી કો ઝરણ વહતું, વાત જાય કે’તું,

કેવું આભે ભ્રમણ કરતી વાદળી માંહી રે’તું;

કેવું છૂપ્યું ગિરિવર તણા ગહવરે થૈ અશબ્દ,

છૂટ્યું કેવું જલધિજલનો સાંભળી ‘આવ’ શબ્દ.

આલિંગે છે પથ ઉપરની આવીને ધૂળ અંગે,

ને લાવે છે અખૂટ કથની માર્ગની સર્વ, સંગે;

કેવા કેવા પથિક દઈ ને પાય માર્ગ જાતા,

કેવાં ગીતો અનુભવ તણાં જાય સર્વ ગાતા.

ને ખેતરે લાખ ઊભેલ ડૂંડાં,

લળીલળીને સહુ સાદ પાડતાં;

અનેકની હાર ખડી રહી ત્યાં,

છતાંય કાં મુજ સાથ માગતાં?

ઊંચે જોયું ગગનપટમાં વાદળી એક જાતી,

સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માગ કાપતી'તી;

વાતો કે'તી ઘડીક વીજની, મેઘ કેરા ધનુની,

યાત્રા કેરી વિજન વનની, પર્વતોની, રણોની.

નીચે કોઈ ચલિત પગલે જાય છે બાળ ચાલ્યું,

પુષ્પે, પર્ણે, તૃણ સકલમાં સાંભળે હર્ષગાણું;

યે ગાતું કુસુમ, તૃણમાં જાગતો હર્ષકંપ,

જાયે ધીમે ડગ, ફૂલ કને ઝાલવાને પતંગ.

શું આંખે, મૃદુલ ડગલે, શું ભર્યું હાથ નાને?

તૂટેલા શબદ મહીં શું? સર્વ શું ક્રિયામાં?

બારી બંધે કદીય નવ જે ભાવનાને પિછાની,

તેવી ઉરે, નયન મહીં, કો આર્દ્રતા આજ જાણી.

અગાંગે છે પરમ ભરતી મસ્ત સિંધુ સમી ને

લજ્જા કેરી નયન પર છે એક મર્યાદરેખ,

હર્ષે થાતી પુલકિત ધરા પાયના સ્પર્શથી જે,

જાયે કોઈ યુવતી નયનો ધન્ય મારાં કરીને.

ઉચ્ચારીને ‘અહાલ્લેક’ કોઈ સાધુ જતો વહી,

સંદેશો સર્વ સંતોનો બારણે બારણે દઈ.

જાયે લક્ષ્મીપ્રણયી પથમાં, જ્ઞાનના કો પિપાસુ,

કોઈ જાતા શ્રમિત જન, કો દીન, કોઈ દરિદ્ર;

જ્યોતિ કોઈ વદન ઝળકે સ્મિત કેરી અખંડ,

અશ્રુધારા નયન થકી કો જાય ચાલી અભંગ.

સર્વને બારીએ ઊભો નેનથી નીરખી રહું,

એક સર્વનો સાદ ‘આવ’નો ઉર સાંભળું.

પળે પાછાં અંતે રવિકિરણ સૌ અસ્ત નભમાં,

અને આવે પાછા દ્વિજગણ સહુ વૃક્ષગૃહમાં;

ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી,

શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની.

સુધાભરી તારક-પ્યાલીઓને

આકાશથાળે લઈ રાત આવે;

પંખી, વનો, નિર્ઝર, માનવીને

પાઈ દઈ સઘળું ભુલાવે.

મેં યે પીધી રજનિકરથી લેઈ ને એક પ્યાલી,

અંગાંગે મદ ચડી જતો, આંખડી બંધ થાતી;

તો યે સૌનો ઉર મહીં સુણું ‘આવ’નો એક સાદઃ

ના બારી, ના ઘર મહીં રહું, જાઉં સર્વ સાથ.

સ્રોત

  • પુસ્તક : બારી બહાર (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : પ્રહલાદ પારેખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1969