banawati phulone - Metrical Poem | RekhtaGujarati

બનાવટી ફૂલોને

banawati phulone

પ્રહ્લાદ પારેખ પ્રહ્લાદ પારેખ
બનાવટી ફૂલોને
પ્રહ્લાદ પારેખ

તમારે રંગો છે,

અને આકારો છે,

કલાકારે દીધો, તમ સમીપ આનંદકણ છે,

અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.

ઘરોની શોભામાં,

કદી અંબોડામાં,

રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,

પ્રશંસા કેરાં કદીક વળી વેણો ઊચરતું.

પરંતુ જાણ્યું છે,

કદી વા માણ્યું છે,

શશીનું, ભાનુંનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?

વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?

જાણો નિંદું છું,

પરંતુ પૂછું છું,

તમારા હૈયાંના ગહન મહીં યે આવું વસતું :

‘દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.'

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004