bahurupi ishwar ni stuti - Metrical Poem | RekhtaGujarati

બહુરૂપી ઈશ્વરની સ્તુતિ

bahurupi ishwar ni stuti

દલપતરામ દલપતરામ
બહુરૂપી ઈશ્વરની સ્તુતિ
દલપતરામ

(દોહરો)

બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્યનું, કરે શૂદ્રનું કામ;

બહુરૂપી બહુ નામિને, પ્રેમે કરું પ્રણામ.

(મનહર છંદ)

સમશ્યામાં સૌને ઉપદેશ જે હમેશ દે છે,

ધર્મને અધર્મ તણો મર્મ જેથી ધરું છું;

ઉજ્જ્વળ આકાશગંગા જેવી છે જનોઈ જેની,

એનાજ આશીરવાદ થકી હું ઉગરું છું;

પુસ્તક અનેક તણાં પડ ફેરવતો રહે,

અક્ષર એમાંથી વાંચી વાંચી હું ઉચરું છું;

હજારો છે જેને ઘેર કુંડ અગ્નિહોત્ર તણા,

એવા એક બ્રાહ્મણનું ભજન હું કરું છું.

વેદ વિદ્યા આદિમાં વિચક્ષણ સુલક્ષણ છે,

રક્ષણ કરે છે સદાચારનું સુરીતથી;

કરે ખટકર્મ મનમાં જાણે છે બધા મર્મ,

પાળે છે પોતાનો ધર્મ પરિપૂર્ણ પ્રીતથી;

કરે છે ત્રિકાળ સંધ્યા તર્પણ કરે છે તથા,

અર્પણ કરે છે ભૂત બલિ ચાહિ ચિત્તથી;

કહે દલપતરામ એવા વિપ્રને પ્રણામ,

કર જોડી કરું વળી ગાઉં ગુણ ગીતથી.

[ક્ષત્રિય રૂપ]

જેના તાબામાં અનેક જીલ્લાઓ જણાય જોતાં

તે જીલ્લામાં રાજધાની નગરો ને ગામ છે;

પવન વરુણ મેઘ પાવક જેવા પ્રતાપી,

સારા સરદારો જેના તાબામાં તમામ છે;

ફરે જેનો હુકમ તે કોઈ ફેરવી શકે,

ઠરેલાં જણાયે તેનાં થાણાં ઠામોઠામ છે;

કરજોડી કરગરી કહે દલપતરામ,

પરાક્રમી એવા રાજાને મારા પ્રણામ છે.

[વાણિયા રૂપ]

શિયાળે ઉનાળે માલ સંઘરે વકરો કરી,

ચોમાસે વિશેષ વસ્તુનું વેચાણ કરે છે;

માગતો નથી તે મૂલ આપે છે ઉધારે માલ,

વેપાર અપાર કરી વિશેષ વાવરે છે;

દેશોદેશમાં છે દોશી ગાંધીની દુકાનો જેની,

વિવિધ વસાણાની વખારો ઘણી ભરે છે;

પ્રેમથી કરી પ્રણામ દ્વિજ દલપતરામ,

એવા એક વાણિયાનું દિલે ધ્યાન ધરે છે.

[કણબી રૂપ]

સર્વથી પ્રથમ જેણે સૃષ્ટિમાં અનાજ વાવ્યાં,

જેના ખેતરનું અન્ન જુક્તિથી હું જમું છું;

ઉપજાવે શેલડી ને સ્વાદિષ્ઠ સાકર ખાંડ,

ભોજન કરીને હું સદૈવ સુખે ભમું છું;

કરે છે કપાસ પેદા કાપડ બને છે જેનાં,

સારો સજી શણગાર રંગભર રમું છું;

કરે છે ખેતીનું કામ કહે દલપતરામ,

એવા એક કણબીને નિત્ય નિત્ય નમું છું.

[માળી રૂપ]

સૃષ્ટિ રૂપી બાગને બનાવ્યો જેણે બહુ સારો,

વિધવિધ વૃક્ષ વેલ વાવી હદ વાળી છે;

કેવા કેવા મેવા ઉપજાવ્યા છે અમૃત જેવા,

રંગ રંગ ફૂલ તણી રચના રૂપાળી છે;

પાણીના પ્રવાહ તો ચલાવ્યા છે અથાહ વાહ,

આળસ તજીને સદા વાડીને સંભાળી છે;

કહે દલપતરામ કીધું છે સરસ કામ,

તો મારો ઇષ્ટદેવ એક વનમાળી છે.

[કુંભાર]

કહો રે કુંભાર લોકો તમે તે શા કસબી છો,

કસબી અમારા દેશમાં રૂડો કુંભાર છે;

નાનાં મોટાં રાંધવાના કામનાં તે ઠામ ઘડે,

ચડે એક કણથી અનંતને સુમાર છે;

ચુલે મૂકવું પડે ફૂંકે ફુંકવું પડે,

તાપ ને ધમણ તો તે ઠામમાં તૈયાર છે;

થકી અનેક કામ સરે દલપતરામ,

એવા એના ઠામમાં કોટી ચમતકાર છે.

(દોહરો)

ઘાટ ઘડી માટી તણા, કરે સજીવન સાર;

તો ઈશ્વર આપણો, કહું ભલો કુંભાર.

[હજામ રૂપ]

(મનહર છંદ)

મશાલ ધરીને સર્વ આગળ ઉજેસ કરે,

તદબીર કરીને અંધારું ઘોર ટાળે છે;

કોણ જાણે કેવી રીતે તેમાં તે પુરે છે તેલ,

બુઝાઈ જાય તેમ મશાલ તે બાળે છે;

કોઈ સમે અનુભવ આરશી દેખાડે વળી,

કોઈ સમે ન્હવરાવા નીરને ઉકાળે છે;

કહે દલપતરામ એવો એક છે હજામ,

તે સદૈવ સૌને ઘણા સ્નેહથી સંભાળે છે.

[બાજીગર રૂપ]

અદર્શ રહીને કરે એકલો અપૂર્વ ખેલ,

જોનારા જનોની જુઓ નજર ચુકાવે છે;

ધૂળમાંથી ધાતુ કરે પાણીમાંથી પ્રાણી કરે,

દેખાડી દેખાડી આપ કળાથી ઉડાવે છે;

વિવિધ પ્રકાર વસ્તુ નવીનવી ઉપજાવે,

કોણ જાણે ક્યાં સંતાડે છે ને ક્યાંથી લાવે છે;

એવા બડા બાજીગર પદે દલપતરામ,

નમ્રતાથી નિત્ય નિત્ય મસ્તક નમાવે છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002