bachubhainun swargarohan ane shokasbha ek ahewal - Metrical Poem | RekhtaGujarati

બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા -એક અહેવાલ

bachubhainun swargarohan ane shokasbha ek ahewal

જયન્ત પાઠક જયન્ત પાઠક
બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા -એક અહેવાલ
જયન્ત પાઠક

–અને પછી તો વાત વાયરે ચઢી વહી ચોફેર;

જંગલ જંગલ કોતર નદી ને ડુંગર ડુંગર ઘેર–

બચુભાઈ પાછા થ્યા, તેડાં આવ્યાં, સરગાપરી

ગયો ભોળિયો જીવ ખોળિયે ખોટેથી નીસરી

દવ લાગ્યો ડુંગરમાં જાણે, જંગલમાં ભભડાટ

નદી સરોવર જલઝરણાં સૌ અંતરમાં ખભળાટ

થથરી ઊઠ્યાં ઝાડ બધાં ઝંઝેડ્યાં જાણે કોકે

ડૂસકે ડૂસકે ખરી પડ્યાં ભૈ બચુભાઈના શોકે

વાદળ ઓઢી માથે ડુંગર દડદડ દડદડ રડતા

નદી કોતરનાં નીર ખીણ પથ્થર પડતાં આખડતાં

ડાળ ઝાલીને બેઠાં પંખી જાણે વાગી મૂઠ

ના બોલે ના ચાલે જાણે ચાંચ-પાંખ સૌ જૂઠ

વગડાનાં પશુઓને હૈયે વાગી જબ્બર ચોટ

ખાધાપીધા વનાં પડ્યાં છે પગ ઘાલીને પોટ;

અસલ બચુભાઈ આપણ કુળના, માણસ તો કહેવાનો,

શોકસભા તો ભરવી જોવે, માણસ સાંભરવાનો.

દડદડતા ડુંગર ચાલ્યા ને ખળખળતાં નદીકોતર

રડતાં રડતાં ઝાડ અને કંઈ પડતાં, રાનજનાવર

ગગન બધું નિઃશ્વાસે ઝાંખું ડૂસકે દદડી પડયું

વ્હાલવેણને વીજકંપ વરમંડ બધું પડું પડું!

ગયો ગયો ઘરનો માણસ ખરખબર્યુંનો પૂછનારો

માયાના મોંઘા મલમલથી આંખડીનો લૂછનારો

ઊઠી ગયો અમ વચમાંથી જણ અમને જાળવનારો

તરણાને તનથી અદકું કરી દલડામાં ધરનારો

બચુભાઈ વણ હવે કોણ વખાણશે વગડાને

બધા વસ્તીના ઘૂંટે એકડા, કોણ ઘૂંટે બગડાને?

હવે આપણે પશુપંખી ડુંગર કોતર સૌ સૂનાં

એક એકડા વના મીંડાં-શાં, જેમ હતાં આદુનાં.

અંજળપાણી ખૂટ્યાં હવે ના મળવા માણસવેશે

અમે ઝૂરીએ અહીં તમે ત્યાં અમરાપરના દેશે.

અમે જાણીએ અહીંના સુખથી તમને સઘળું હેઠ

–તો પાછા વળજો કંઈ બ્હાને છોડી સરગની વેઠ,

પછી અડાબીડ મૌન, મૌનમાં શોકસભા વીખરાણી

દલડે ડૂમો ચડે, આંખથી પડે પીડનાં પાણી.

રસપ્રદ તથ્યો

આ કાવ્યના કવિનું બાળપણનું નામ બચુ હતું. પ્રકૃતિ સાથે જયંત પાઠક કેવું તાદાત્મ્ય ધરાવતા એ એમની કવિતાઓમાં જણાઈ આવે છે. પ્રસ્તુત કવિતામાં એમણે પોતાના અવસાન પર પ્રકૃતિની હોઈ શકતી પ્રતિક્રિયાની કલ્પના રજૂ કરી છે. આમ પોતાને અંજલિ આપતું કાવ્ય ગુજરાતી ભાષાનું એક અનન્ય કાવ્ય છે. (આ વિગતની ચકાસણી કરવી.) સરગાપરી : સ્વર્ગ. વરમંડ : બ્રહ્માંડ, આકાશ. આદુ : પહેલું, શરૂઆતનું. અમરાપર : અમરાપુરી, દેવોની નગરી. સરગ : સ્વર્ગ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004