બચુભાઈનો પત્ર - સ્વર્ગના આંખે દેખ્યા હાલ
Bachubhai no Patra - Svargna aankhe dekhya haal
જયન્ત પાઠક
Jayant Pathak
જયન્ત પાઠક
Jayant Pathak
(1)
સરગાપરથી આવ્યો કાગળ બચુભાઈનો આજે
વાંચું છું સાંભળજો સરવે દુખિયાના દિલમાં જે
લખે બચુભઈ : જે દ્હાડાથી તમને છોડી આવ્યો
તે દ્હાડાથી ઊંઘ મૂકીને ઉજાગરા છું લાવ્યો
પાંપણ ભેગી થતી નથી ને! અજવાળાં અજવાળાં
ચોગરદમ દેખી યાદા'વે પ્રથમીનાં અંધારાં
તેજ અને અંધારતણા ભૈ ત્યાંના આટાપાટા
ક્યાં, ને ક્યાં આ રાતદિવસના તીખા તેજસપાટા!
ત્યાં તો કેવાં ભેગાં થઈને આપણ વાતો કરતાં–
આ તો માળાં મૃગાંમસ જાણે કે ના ઓળખતાં!
અહીંની વાત જ ન્યારી, અમરાપુરી કહી ના અમથી;
હાહા ઠીઠી કરે બાઈયું આંખે આંસુ નથી!
પરથમ તો શોધ્યા કરતો હું જણ સાથે રડનારું
પણ મારા વણ, સમજ્યો પછી કે કોઈ નથી જડનારું.
આ પા તે પા જ્યાં દેખો ત્યાં ખુશાલી – જાણે વિવા'
મસાણ કે ના કબર અહીં ના ભડકા કે ના દીવા.
(2)
એક ઝાડ છે અહીં મજાનું કલ્પતરું સૌ ક્હે છે
ખરતું નથી, મરતું નથી, ને એ જે માગો તે દે છે!
પ્રથમીનાં મારાં વ્હાલાં, હું ગઈ કાલે ત્યાં ગ્યો'તો
ઝાડ કને વાતો કરવા તો કહે : 'કેમ આવ્યો'તો?
અક્કલ સૂઝી મને, કહ્યું મેં : જે માગે તે આપો
એમ સાંભળી આવ્યો છું તો કષ્ટ આપણાં કાપો
કોઈ રીતે મારે આ અમરાપરીમાં તો નથી ર્હેવું
પ્રથમીમાં પાછા જવું છે, લો માગ્યું, તમારે દેવું.
ખડખડ ખડખડ ઝાડ હસ્યું ભૈ, માણસ કેવો ભોળો
લોક બધા સુખ માગે ને આ માગે દુઃખનો ગોળો!
ફરી વિચારી માગ મૂરખ ક્હે ઝાડ જરા ધૂણીને
મેં તો કીધું : આ જ દિયોને, માગ્યું છે સમજીને
હવે થાય તે ખરું, ઝાડ જો હશે વચનનું સાચું
તો તો માગ્યું દેશે દેખી આ દુખિયાનું ડાચું.
'રાંમ. રાંમ.' કહું છું કાગળમાં, ફર્ક્ય ન કરજો મારી
ભલું હશે તો બેતણ દનમાં ભેળો હુંય તમારી.
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 35)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
