baapdikro - Metrical Poem | RekhtaGujarati

ખેતરે રખવાળી ખાતર એક ઝાકળિયું કર્યું

કૂવાની ધારે. મધશિયાળે રાત ત્યાં ર્હેવું ઠર્યું.

બાળવા ઈંધણ ઉપાડી લાવવા ડુંગર થકી

છૂટો મૂકીને કોસ અધદા'ડો ગયો મેઘો નકી.

ડુંગરો આડો ચડી,

જે ઝાડી પેલી ગમ પડી

ત્યાં ભારીઓ કાપી, કાપી કોણ કહે વાતડી?

બોલતાં પાડોશીઓ બૈરી થકી કંટાળીને

ચાલ્યો ગયો પેલી તરફ જંગલ તણી; કો આવીને

ક્હેતું : 'સુણ્યા છે, અમે ટચકા, ત્યાં કુહાડીના થતા

જંગલ મહીં રાત આખી. હશે ઈંધણ કાપતા.

આવશે અબ ઘડી!'

ને એમ ફરી રાત્રિ પડી.

લ્હેરંત ઘઉંના રાખનાર તણી પણ સિકલ જડી!

ઝૂંપડીનાં બાર કો અંધારમાં ખખડાવતું,

ને બાળનું, માનું હૃદય ફૂલકોમળું ફફડાવતું.

બાળક ઊઠી જોવા કરે; બોલે બિચારી માવડી :

'એ તો હશે, બેટા, પવન કે જાનવર!' 'ઓ માવડી!

દે કુહાડી નાનલી,

ડુંગર સવારે જઉં ચડી.

લઈ આવું બાપુ, પછી ખાશું પોંક સૌ સાથે મળી.'

ચોંકતી રામી જરી, પણ તુર્ત એક બચી ભરી

બોલી, 'અરે બાપુડા! મા ભોંક મુજ હૈયે છરી!

કાલ ખેતર ચઢી માળે જજો ટોવા સૂડલા,

વનપોપટાને પૂછજો કે ક્યાંય તુજ બાપુ મળ્યા!'

ને બીજા પ્રભાતમાં

રામી ઢૂંઢે કલ્પાંતમાં,

વનપોપટો ઊડી ગયેલો પાંજરેથી રાતમાં.

કો વ્હેમિયું આવી કહે, 'મેઘો મરાયા વાઘથી

ને ભૂત થ્યા, હીરિયો છૂટી ના શક્યો એની બાથથી;’

ક્હે બીજું, 'મેં સાંજરે ખીણમાં દીઠો'તો આદમી

ને છોકરો પાછળ, જતા ભારી લઈ.' એવું દમી

વીખરાય સારી મંડળી,

ને રાત ધરણી પર ઢળી,

કળજગ તણું પાણી પીવા રામી રહી ગઈ એકલી!

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ