
“કહે બા! તું કેવી
રૂપાળી ને ગોરી
હતી મારા જેવી કમળકુમળી નાનપણમાં?
અને ત્યારે તારા
ગુલાબી ગાલોમાં હસતી તવ શું ખંજન થતાં?
અને ક્હેજે બા! તું
કરાવેલા તેં શું મુજ સમ હતા ‘બોબ’ હસતા?
તનેયે શું આવાં નવીન ઢબનાં ‘ફ્રોક’ ગમતાં?
અને તેં પ્હેર્યાં છે કદી પણ કહે ‘બૂટ’ પગમાં?
“વળી બા! તું ક્હેજે
જતી તું શું ત્યારે સૂરજ નમતે રોજ ફરવા?
રૂપાળા પપ્પાની સહ રમી કદી રેતીપટમાં?
અને પાછા જ્યારે ઘર તરફ આવો તવ કદા
કહે તેં કીધી છે હઠ રડી રડીને ઊંચકવા?
“અને ક્હેજે હેં બા!
તને મારા પપ્પા
કદી ચૂંટી દૈ વા મસળી તુજ ગાલો પજવતા?
દબાવી છાતીએ રડતી તુજને શાંત કરતા?
અને મીઠું ચૂમી કદીક તુજને લાડ કરતા?”
હસી ત્યાં બા બોલી :
“અરે! મારી ભોળી!
કહે આવા ઘેલા કહીંથી શીખી તું પ્રશ્ન પૂછવા?
હશે, સાચું ક્હૌં તો
રહ્યા તારા પપ્પા પ્રથમથી જ પ્રેમાળ ઉરના
અને તેથી એવું સઘળું......”
તહીં બેબી બોલી ઊઠી તરત કે, “બા! ખરૂં કહે
તનેયે શું ત્યારે
રૂપાળા પપ્પાએ
કર્યું છે કે એવું સઘળું મુજને જેવું કરતા?
ખરા એ લુચ્ચા છે!......
અને બા ને બેબી ઉભય અણજાણ્યું હસી પડ્યા!



સ્રોત
- પુસ્તક : આશ્લેષ (પૃષ્ઠ ક્રમાંક 99)
- સર્જક : હસમુખ મઢીવાળા
- પ્રકાશક : પ્રગતિ સાહિત્ય મંદિર, સૂરત
- વર્ષ : 1956