અવતરણ
avataran
નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
Narsinhrao Bholanath Divatia
નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
Narsinhrao Bholanath Divatia
(તોટક)
રમતાં ભરતાં કદી દિવ્ય વને,
ફૂલડાં જડિયાં રૂડલાં મુજને,
બહુ વેળ રહ્યાં પડી મુજ કને,
ગૂંથી આજ દઉં રસિકો! તમને.
બહુ વેળ રહ્યાં પણ દિવ્ય બધાં,
ન ગયાં કરમાઈ, ખીલ્યાં બમણાં,
સહુ તેતણી આજ વિવેકગુણે,
ગૂંથી માળ દઉં રસિકો તમને.
મૃદુ ગન્ધ મનોહર કોઈ વિશે,
વળી ઉત્કટ ગન્ધ બીજે વિલસે,
વળી કોમહીં ગન્ધ ગભીર સૂએ,
ગણિયા નહીં જાય અહીં સહુએ.
વળી રંગ અનેક ઝીણા, કુમળા,
વળી દીપ્ત, ગભીર, અને વિમળા,
રમતા વિવિધે ફૂલડે સઘળા,
મળી નેન દીએ સુખ તે રસીલા.
ઋતુ સર્વતણાં ફૂલડાં ખીલિયાં,
તહીં એક સમે સઘળાં મળિયાં,
સહુ તેહની માળ વિવેકગુણે,
રસિકો! ગૂંથી આજ દઉં તમને.
સહુ રંગ ભળે અનુકૂળ રીતે,
વળી ગન્ધવિરોધ કહીં ન પીડે,
ત્યમ એ કુસુમોતણી આજ દિને
ગૂંથી માળ દઉં રસિકો! તમને.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 156)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
