audyodhik mandal vishe - Metrical Poem | RekhtaGujarati

ઔદ્યોગિક મંડળ વિષે

audyodhik mandal vishe

દલપતરામ દલપતરામ
ઔદ્યોગિક મંડળ વિષે
દલપતરામ

એક મંડળી એવી સ્થાપો જ્યાં સૌને ઉદ્યોગ જડે.

ભૂખે મરતા ભીખે ભમતા, પીડાના પોકાર કરે,

ભૂખે મરીએ ભૂખે મરીએ, એમ કરે ઉચ્ચાર અરે;

કાજ સૂજે લાજ મૂકે, તેહ રહ્યા ઘર માંહિ રડે,

એક મંડળી એવી સ્થાપો, જ્યાં સૌને ઉદ્યોગ જડે.

ક્રોડો માણસ કામે લાગે, તોપણ ખુટે કામ નહીં,

એવા તો ઉદ્યમ ઉપજાવો, શાણા જન સજી બુદ્ધિ સહી;

વિશેષ ઉપજે અન્ન અને ફળ, વિશેષ જનનાં જૂથ વડે,

એક મંડળી એવી સ્થાપો, જ્યાં સૌને ઉદ્યોગ જડે.

પર્વત ખોદી ખેતર કરશો, માણસ જો મંડ્યા રહેશે,

ખારા પાટમાં ખાતર નાંખી, અનાજ ઉપજાવી દેશે;

પૃથ્વી પણ પડતર છે પુષ્કળ, નિહાળતાં નજરેજ ચડે,

એક મંડળી એવી સ્થાપો, જ્યાં સૌને ઉદ્યોગ જડે.

પશુઓના પૈસા ઉપજે છે, પોપટ મેના મોર ૫ળે,

અતિશે એતો વાત શરમની, માણસને આહાર મળે;

નિરુદ્યમી નિર્માલ્ય થઈને, રાત દિવસ રોતાં રખડે,

એક મંડળી એવી સ્થાપો, જ્યાં સૌને ઉદ્યોગ જડે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 189)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002