ardhya - Metrical Poem | RekhtaGujarati

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,

સુધાસ્પર્શે ખીલ્યાં, મધુછલકતાં શ્રીનીતરતાં,

ભર્યાં ગંધે રંગે મુદિત વસુધા ઇન્દ્રધનુનાં,

વિખેરી તે માર્ગે તુજ હૃદય આહ્લાદ ભરતે.

કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલાં,

પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,

કરીને આનંદે તુજ પથ મહીં રોશની સદા,

ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.

પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહિ કશું–

મીઠાં સ્વપ્નાં હૈયે–મુજધન–અને થોડી કવિતા!

હું તો વેરું સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,

જરા ધીમે ધીમે પગ તું ધરજે છે મૃદુલ એ!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984