એક વેદના
ek vednaa
સિતાંશુ યશશ્ચંદ્ર
Sitanshu Yashaschandra
વેદના, તું અંધ ના કર; વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે
આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને,
તેજમાં સુખચેનના ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયમ.
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે.
તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ,
ક્યાં જવું, ક્યાં થઈ જવું, કે કઈ રીતે – નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે.
કોક સાવ અજાણ જણ પર એક ભલામણ પત્ર દે.
તો પછી પહોંચાડ, પીડા ભાનના એવે સીમાડે,
કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારું સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે.
(૨૦૦૪)
સ્રોત
- પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 48)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009